પદાધિકારીઓ અને મેયરે અભિનંદન પાઠવ્યા
સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી એક માત્ર યુવા હોકી ખેલાડી ધર્મરાજસિંહ પરેશભાઈ વાઘેલાની 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરવામાં આવી છે. રમત ગમત ક્ષેત્રે રાજકોટવાસીઓનું ગૌરવ વધારતા ધર્મરાજસિંહને મેયર ડો. નેહલ શુક્લએ અભિનંદન પાઠવ્યા છે. રાજકોટના હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે કે, હોકી ગુજરાત દ્વારા આયોજિત જુનિયર મેન્સ સ્ટેટ ચેમ્પિયનશિપમાં રાજકોટના ખેલાડી ધર્મરાજસિંહ વાઘેલાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા તેમની પસંદગી કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોકીનું મેદાન આવેલું છે, અહીં રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ રમાઈ ચુકી છે. અહીં ધર્મરાજસિંહ સહીત અનેક યુવા ખેલાડીઓએ નિ:શુલ્ક કોચિંગ મેળવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજકોટનું નામ રોશન કર્યું હોવાનું મહેશભાઈ એ જણાવ્યું છે. હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 28 જુલાઈ 2026થી 10 ઓગસ્ટ 2026 દરમિયાન કોયમ્બતુર (તમિલનાડુ) ખાતે યોજાશે. જેમાં ભાગ લેવા હોકી ગુજરાતની ટીમ 25 જુલાઈ 2026ના રોજ રવાના થશે. ત્યારે ગુજરાતની ટીમ વતી ધર્મરાજસિંહ વાઘેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજકોટનું નામ રોશન કરે તેવી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા ધર્મરાજસિંહને શુભેચ્છા પાઠવવામાં આવી છે.
