જેતપુરમાં એજન્સીના વેપારી સાથે 10.74 લાખની ઠગાઈ

રાજકોટ તા,15
જેતપુરમાં એમ્બ્રોઈડરીના વેપારી સાથે ઓનલાઈન મની ટ્રાન્સફરની એજન્સીના નામે 10.74 લાખની ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ જેતપુરમાં અમરનગર રોડ પર શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોડરીનું જોબ કામ કરતા નયનભાઈ હરજીભાઈ પાઘડાળ (ઉ.વ 41)એ યુવાને જેતપુર સિટી પોલીસ મથકમાં 10.74 લાખની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ 12/9/2019 થી તારીખ 23/12/2019 ના સમયગાળા દરમિયાન તેની સાથે આ છેતરપિંડીનો બનાવ બન્યો હતો. ડિજિટલવર્લ્ડસીએસપી ડોટ કોમ ડોટ ઇન નામની વેબસાઈટ તૈયાર કરી અને એવું જ ઈમેલ આઈડી તૈયાર કરી ઓનલાઇન મની ટ્રાન્સફર કરવા અંગેની એજન્સી ચાલુ કરવા અંગેની ખોટી માહિતી દર્શાવી હતી. યુવાનને ઓનલાઇન મની ટ્રાન્સફરની એજન્સી શરૂ કરવામાં રસ હોય તે નેટ પર તે માટે સર્ચ કરતા આ વેબસાઈટ તેણે જોઈ હતી. બાદમાં તેની વેબસાઇટ અને ઈ-મેઈલ મારફત સંપર્ક કર્યો હતો બાદમાં આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેના નામનું આરબીઆઇના લોગો અને સહી સિક્કાવાળુ બોગસ સર્ટિફિકેટ ઓફ એપોઇન્ટમેન્ટ તૈયાર કરી આપ્યું હતું અને એજન્સી શરૂ કરવા માટે અલગ-અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 10,74,200 આર.ટી.જી.એસથી ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પરંતુ ત્યારબાદ પણ પણ ફરિયાદીને ઓનલાઇન એજન્સી શરૂ કરવા અંગેની કોઈ સચોટ વિગતો ન મળતાં અને આવી કોઈ એજન્સી શરૂ કરવા માટે કોઈ વાતચીત ન થતા તેણે આરોપીનો સંપર્ક કરવા માટે કોશિશ કરતા આરોપીએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ સંપર્ક માટેના અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમ છતાં સંપર્ક થઇ શકયો ન હતો. દરમિયાન આ સમગ્ર મામલો સીઆઇડી ક્રાઇમ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ સીઆઇડી ક્રાઈમની ટીમે પ્રાથમિક તપાસ કર્યા બાદ આ મામલે યુવાન દ્વારા જેતપુર સિટી પોલીસ મથકમાં પોતાની સાથે થયેલી આ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી ડિજિટલવર્લ્ડસીએસપી ડોટ કોમ ડોટ ઇન નામની વેબસાઇટ તૈયાર કરનાર તેમજ અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી યુવાન સાથે સંપર્ક કરી તેની પાસેથી પૈસા પડાવી લેનાર આરોપીઓને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ