વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સોમનાથ જિલ્લાના પ્રવાસે: કાર્યક્રમોની તૈયારી
પી.એમ. નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરી 2026 ના સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવશે. તેમના બે દિવસીય પ્રવાસ ને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી કરવામાં આવશે, જ્યાં આગળ-પાછળ 108 અશ્વો વચ્ચે પી.એમ. મોદીની સ્વાભિમાન યાત્રા પણ યોજાશે અને સોમનાથના ઈતિહાસમાં પહેલી વાર બે કિ.મી. લાંબા ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે.
ધાર્મિક વિધિ ઓ પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર ના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય ’સ્વાભિમાન યાત્રા’ યોજાશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર અંદાજે બે કિ.મી. લાંબી આ યાત્રામાં 108 અશ્વો સામેલ થશે. યાત્રામાં આગળ અને પાછળ અશ્વો તથા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે, જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્ય નું પ્રતીક બનશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશ ને નવી દિશા આપતી મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ થવાની શક્યતા છે.
તા.10 જાન્યુઆરી એ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરેલી વિશેષ ગ્રીન રૂમમાં રાત્રી રોકાણ કરશે. તા.11 જાન્યુઆરીના વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજા પૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિ પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે.પીએમના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઇતિહાસ મુજબ, ઈ.સ. 1026 માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026 માં આ ઐતિહાસિક ઘટનાને એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે.
તા.10 અને 11 જાન્યુઆરીના વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થા ઓનું નિરીક્ષણ કર્યું છે. હર્ષ સંઘવી ના અધ્યક્ષસ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો સાથે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. વડાપ્રધાન ના પ્રવાસ ને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.સોમનાથ મંદિર કોરિડોર ની ડિઝાઈન ફાઈનલ થઈ શકે…સૂત્રો અનુસાર, દિલ્હી સ્થિત ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરીડોર પ્રોજેક્ટ ના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરાશે. ત્રણમાંથી એક અંતિમ પ્રોજેક્ટને વડાપ્રધાન ની મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોરીડોર પ્રોજેક્ટ અત્યંત વિશાળ, આધુનિક સુવિધાઓથી સજ્જ અને દૃશ્યાત્મક રીતે અદભુત હશે. સોમનાથ મંદિર ને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીના “ડ્રીમ પ્રોજેક્ટ” તરીકે જોવામાં આવે છે.
દીવાલોને અલગ-અલગ ચિત્રો થી શણગારવામાં આવી રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ એ ભારતના અડગ આત્મવિશ્વાસ, અખંડ આસ્થા અને હજારો વર્ષ જૂના સ્વાભિમાન નું પુનર્જાગરણ છે. એક હજાર વર્ષ પછી પણ અડીખમ ઊભેલા સોમનાથ મહાદેવ આજે ફરી દેશને એક જ સંદેશ આપી રહ્યા છે વિનાશ પછી પણ નવસર્જન, પરાજય પછી પણ વિજય અને અંધકાર પછી પણ પ્રકાશ.
