વન વિભાગ એકશનમાં વિડી વિસ્તારમાં સતત પેટ્રોલીંગ
રાજકોટ જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને શિયાળાના સમય દરમ્યાન સિંહની અવર જવર રોજીંદી બની ગઈ છે. જીલ્લાના ગોંડલ, જેતપુર અને કોટડાસાંગાણી વિસ્તારમાં વારંવાર સિંહ દેખા દે છે. ખાસ કરીને ગોંડલ અને જેતપુર વિસ્તારથી ગીરનારનું જંગલ નજીક થતુ હોય વારંવાર સિંહ ખોરાક પાણીની શોધમાં અત્રે આવી પહોંચતા હોય છે.
ત્યારે ફરી એક વાર શિયાળાની ઠંડીએ રંગ દેખાડવાનું શરૂ કયુર્ં છે ત્યારે ફરી એકવાર રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી પંથકમાં એક સિંહણ આવી ચડયાનું વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. વન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણેક માસથી આ સિંહણ કોટડાસાંગાણી વિસ્તારમાં અવરજવર કરી રહી છે. તાજેતરમાં આ સિંહણે ગોંડલ પંથકમાં મુવમેન્ટ કરી હતી પરંતુ ફરી છેલ્લા કેટલાક દિવસોથી આ સિંહણ ફરી કોટડાસાંગાણી પંથકની ખોખરી વીડીમાં આવી ચડી છે. વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ખોખરી વીડીમાં મોટાપાયે જંગલી ભૂંડ અને નીલગાયનું રહેઠાણ છે તેમજ આ વીડી આસપાસ માલધારીઓનો પણ મોટો વસવાટ છે જેના કારણે આ સિંહણ વારંવાર આ વિસ્તારમાં આવી ચડે છે. કારણ કે તેને આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી મળી રહે છે. આ સિંહણ ગીરનારના જંગલ વિસ્તારમાંથી વારંવાર આવી ચડતી હોવાનું પણ વન વિભાગના સુત્રોએ જણાવેલ હતું.
