‘લોકલ ટુ ગ્લોબલ’ વૈશ્ર્વિક બજારમાં ગુંજશે ‘મેડ ઇન જેતપુર’નો નાદ આફ્રિકન દેશોના ‘ખાંગા’ અને ‘કીતાંગા’ ફેબ્રિક્સની નિકાસમાં જેતપુરનો વૈશ્ર્વિક દબદબો

1.5 લાખથી વધુ લોકોને રોજગારી: જેતપુર બન્યું એશિયાનું ઉભરતું ‘મિની માન્ચેસ્ટર’

ગુજરાત હંમેશાથી ઉદ્યોગસાહસિકતાની ભૂમિ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે બે દાયકા પહેલા ’વાઇબ્રન્ટ ગુજરાત’નું બીજ રોપ્યું હતું, ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ મંચ એક દિવસ તાલુકા કક્ષાના ઉદ્યોગોને સાત સમંદર પાર ઓળખ અપાવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ થી ‘લોકલ ટુ ગ્લોબલ’ ના સંકલ્પને સાકાર કરવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના પરંપરાગત ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર એક ઐતિહાસિક કદમ ઉઠાવી રહી છે. રાજકોટના આંગણે આગામી 11 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ – ટૠછઈ’ માત્ર એક સંમેલન નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સ માત્ર રોકાણો માટેનું મંચ નથી, પરંતુ રાજકોટના જેતપુર જેવા પરંપરાગત હબને ’ગ્લોબલ ટેક્સટાઇલ બ્રાન્ડ’ બનાવવાનું મિશન છે.
ભાદર નદીના કાંઠે વિકસેલું જેતપુર શહેર આજે પોતાની દાયકાઓ જૂની બ્લોક પ્રિન્ટિંગની કળાને આધુનિકતાના રંગે રંગીને ‘સાડીઓનું શહેર’ અને ‘મિની માન્ચેસ્ટર’ તરીકે ઉભરી આવ્યું છે. જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા આ અંગે વાત કરતા જણાવે છે કે, જેતપુરમાં આજે 1500 થી 1600 જેટલા નાના-મોટા યુનિટો કાર્યરત છે. જે એક સમયે માત્ર હસ્તકલા પર નિર્ભર હતા, તે આજે અત્યાધુનિક ઓટોમેટિક ફ્લેટબેડ અને ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજીથી સજ્જ છે. દરરોજ અંદાજે 7 હજાર જેટલી સાડીઓ અને 20 લાખ મીટરથી વધુ કાપડનું ઉત્પાદન જેતપુરને ભારતની ટેક્સટાઇલ સપ્લાય ચેઈનનું પાવર હાઉસ બનાવે છે. આજે અહીં સાડી અને ડ્રેસ મટીરીયલનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે.
જેતપુરની વિશેષતા એ છે કે, તેની બનાવટો માત્ર સ્થાનિક બજારો પૂરતી સીમિત નથી. પરંતુ સાત સમંદર પાર પણ પ્રખ્યાત છે. પશ્ચિમ અને પૂર્વ આફ્રિકાના દેશોના પરંપરાગત પહેરવેશ ગણાતા ‘ખાંગા’ અને ‘કીતાંગા’ ફેબ્રિક્સના ઉત્પાદનમાં જેતપુરનો આજે વૈશ્વિક દબદબો છે. દરરોજ અંદાજે 50 લાખ મીટર જેટલું જંગી કીતાંગા ફેબ્રિક્સ અહીંથી નિકાસ થાય છે. વાર્ષિક રૂ. 3000 કરોડના ટર્નઓવર સાથે આ ઉદ્યોગ આજે વિદેશી હૂંડિયામણ કમાવવાનું મહત્વનું સાધન બન્યો છે.
જેતપુરની સાડી બનાવવાની પ્રક્રિયા પણ રસપ્રદ છે. મુંબઈના ભિવંડીથી મલમલ જેવું સફેદ કોટન કાપડ અહીં આવે છે. ત્યારબાદ ગ્રાહકોની પસંદગી મુજબ કોમ્પ્યુટરાઈઝ્ડ કે બ્લોક ડિઝાઇન તૈયાર થાય છે. અત્યાધુનિક મશીનો પર કાપડ રંગાય છે. પાણી અને ધોલાઈ પ્રક્રિયાથી સાડીમાં અનોખી ચમક આવે છે. ધોલાઈ બાદ ફરી તેનું ફિનિશિંગ કામ થાય. ફિનિશિંગ કામ પૂર્ણ થયા સાડીની ગડી, ઈસ્ત્રી, પેકિંગ કામ થાય. આખરી ઓપ આપી સાડીને દેશ-વિદેશના બજારોમાં મોકલવામાં આવે છે. આ ઉત્પાદનોનું ગુજરાત સિવાય કલકત્તા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડીસા જેવા રાજ્યોમાં પણ વેચાણ થાય છે.

રિલેટેડ ન્યૂઝ