પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી છેતરપીંડીનો ભેદ ઉકેલ્યો
છેલ્લા બે વર્ષથી પંદર રાજયમાં આશરે 56 જેટલા સોની વેપારીઓ સાથે છેતરપીંડી કરનાર બંટી – બબલીને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ એ જૂનાગઢમાં નોંધાયેલ ફરિયાદની ગણતરકારીની કલાકોમાં પકડી પાડી અનેક છેતરપિંડી કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.17/01/2026 ના રોજ જુનાગઢ ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા જૂનાગઢ તેમજ કેશોદમાં સોની વેપારીઓને એક પુરૂષ તથા એક સ્ત્રી જુના દાગીનાઓ કે જે દાગીનાઓ પ્રથમ દ્રષ્ટીએ જોતા તેમજ લેબમાં ટેસ્ટ કરાવતા પણ સોનાના હોવાનું જણાય આવતા હોય પરંતું દાગીનાને ઓગાળતા તેમાંથી 30% સોનું હોય તેવા આપી નવા દાગીના ખરીદી છેતરપીંડી આચરેલ હોવાની રજૂઆત કરેલ હતી
જે અનુસંધાને જુનાગઢના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ તથા જુનાગઢ શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાની સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કે.એમ. પટેલ દ્વારા સંડોવાયેલ સ્ત્રી-પુરૂષના ફોટોગ્રાફ મેળવી, અલગ-અલગ ટીમો બનાવી, ટેકનીકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ કરતા આ સ્ત્રી-પુરૂષ વડોદરા ખાતે હોવાની હકિકત મળતા તુરત ટીમને વડોદરા ખાતે રવાના કરી વડોદરા ખાતેથી સદરહું બનાવમાં સંડોવાયેલ સ્ત્રી-પુરૂષ બંન્નેને હસ્તગત કરી, જુનાગઢ લાવી, પુછપરછ આદરી હતી.
દરમિયાન પકડાયેલ ધર્મેન્દ્ર ફાગુભાઈ શાહુ, ઉ.વ.48, ધંધો કલરકામ તથા વેપાર (રહે. રજન ભુસીયા રોડ થાના રજોન જી.ભાગલપુર બિહાર) તથા કિરણદેવી સંજયભાઈ યાદવ ઉ.વ.41 ધંધો ઘરકામ (રહે. રન ભુસીયા રોડ, થાના રજોન, જી.ભાગલપુર મુળ રહે મોહનપુર તા.સરમેરા જી.નાલંદા બિહાર) ની પ્રાથમિક પૂછપરછ કરતા આ બંને છેલ્લા બે વર્ષથી પટનાના રવિ સોની (રહે. પટના) તથા સોનુ (રહે. બનારસ) નામના શખ્સો કે જેઓ બંન્ને 30 ગ્રામના દાગીનાઓ આપતા તે દાગીનાઓ સોની વેપારી એક નજરે પારખી શકે નહીં તેમજ લેબ કરાવે તો પણ અન્ય ધાતુ મળી શકે નહીં તે માટે 20 ગ્રામનો પંચ ધાતુનો દાગીનો બનાવી તેમના પર પોટાસ કેમીકલ ચડાવી તેમના પર 10 ગ્રામ સોનાનો વરખ ચડાવી દાગીનાઓ બનાવી આપતા હતા. અને પોતે બંન્ને અલગ અલગ શહેરોમાં જઇ સોની વેપારીઓને દાગીનાઓ આપતા હતા તેમના બદલામાં સોનાની ચેઇન, વિંટી, બંટી તથા રોકડ મેળવી છેતરપીંડી કરતા હતા જેના બદલામાં એક દાગીનાના વેચાણ પેટે રવિ સોની રૂ. 7000/- આપતો હતો અને એક શહેરમાં એક જ વખત બનાવને અંજામ આપતા હોવાની કબુલાત આપેલ છે. તથા હાલમાં બંન્નેને આરોપીઓને કેશોદ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોપવામાં આવેલ છે.
પકડાયેલ બંટી-બબલીએ મળી ગુજરાત રાજયમાં અમદાવાદ, સુરત, બિલીમોરા, વાપી, નવસારી, વલસાડ, જુનાગઢ, કેશોદ, જેતપુર, ભુજ, અંજાર, પાલનપુર, મહેસાણા, દમણ, દાદરા નગર હવેલીના સેલવાસ, પશ્ચિમ બંગાળ રાજયના કલકતા, બંડીલ, વર્ધમાન, સિયારાવ, લિલવા, ઘુસકા, ખડકપુર, મેદનીપુર, હાવડા, ભોજપુરા, આંધ્રપ્રદેશ રાજયના વિશાખાપટ્ટનમ, વિજયવાડા ,તેલગણા રાજયના હૈદરાબાદ, ઓડિશા રાજયના કટક, ભુવનેશ્ર્વર, ઉતરપ્રદેશ રાજયના ઇલ્હાબાદ સરવન બજાર, ગોંડા, બનારસ, મોગલસરાય, દેવરીયા, જોનપુર, મિરઝાપુર, બિહાર રાજયના મધુબની, જોગવની, હાજીપુર/સોનપુર, કિશનગંજ, સમસ્તીપુર, મહારાષ્ટ્ર રાજયના પાલઘર, મીરા રોડ, દહીંસર, વસઇ, થાના, ઝારખંડ રાજયના રાંચી, ધનબાદ, કતરાસ, લાલમટીયા, ભોંકારો, રાજસ્થાન રાજયના ઉદયપુર, જયપુર, પંજાબ રાજયના ભટીંડા, જલંધર, લુધીયાણા, હરીયાણા રાજયના પાનીપત, કુરુક્ષેત્ર, ભીલવા, મધ્યપ્રદેશ રાજયના કટલી મળી કુલ 15-રાજયોના કુલ-56 શહેરોમાં સોની વેપારીઓ સાથે છેતરપીંડી આચરેલ હોવાનું આરોપીઓએ ક્રાઈમ બ્રાન્ચ સામે કબૂલ્યું છે.
