કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કાયદા અને હક્કની જાણકારી સંગીતના સથવારે આગવી શૈલીમાં પીરસવામાં આવશે
સુપ્રીમ કોર્ટ નવી દિલ્લી સ્થિત નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીની નિશ્રામાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના વડપણ હેઠળ તેમજ જુનાગઢના જિલ્લા ન્યાયાધીશ બી.જી. દવે ના નેતૃત્વ હેઠળ નાલસાની વિવિધ સ્કીમો મેળામાં બહોળી સંખ્યામાં આવતા લોકો સુધી સરળતાથી પહોંચી શકે તે ભવનાથમાં કાયદાનો કસુંબલ રંગ નામે લોક ડાયરાનો વિશિષ્ટ કાર્યક્રમ નું આયોજન તા.14મી ફેબ્રુઆરીએ સંસ્કૃતિક કાર્યક્રમોના મંચ ઉપર કરવામાં આવ્યું છે.
ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં લોક ડાયરા યોજાતા હોય છે. આ લોક ડાયરામાં કલાકારો મંચ ઉપર લોક સાહિત્ય, ભજન, ભક્તિગીત વગેરે રજૂ કરતા હોય છે. પરંતું આ વર્ષે એક અનોખો ફયુજન લોક ડાયરો યોજાવાનો છે. કાયદાના ફૂલબલ રંગ નામે યોજાનારા આ અનોખા વિશિષ્ટ ફયુજન લોક ડાયરામાં કાયદા અને લોકોના હક્કોની જાણકારી સંગીતના સહારે જન જન સુધી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢ દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢ દ્વારા ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં કોર્ટમાં ફરજ બજાવતા તેમજ વિશ્વ વિક્રમ ધારક સંગીત કલાકાર નયન વૈશ્નવ તથા તેમની ટીમ દ્વારા કાયદા અને હક્કોની જાણકારી ફયુજન સંગીતના સહારે આપવામાં આવશે. લોકોમાં કાયદા અંગે જાગૃતિ લાવવા માટે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. 14 ફેબ્રુઆરી સાંજે 6 કલાકે યોજાશે. કાર્યક્રમમાં કાયદા અને હક્ક અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ વિષયો ઉપર વિશિષ્ટ લોક ડાયરા દ્વારા રજૂઆત કરવામાં આવશે. તેમ સિનિયર સિવિલ જજ જૂનાગઢ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા સચિવ દુર્ગેશ કે. ચંદનાણીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
