ફુલડોલ ઉત્સવના સુચારૂ આયોજન માટે ખાસ બેઠક યોજાઇ
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે આગામી દિવસોમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના અનુસંધાને ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં અહીં આવતા પદયાત્રિકો માટે હાઈવે પર માર્ગ સલામતી માટે સાઇન બોર્ડ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સી.સી.ટી.વી કેમેરાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા તેમજ દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે
વ્હીલચેરની વ્યવસ્થા, પદયાત્રીઓ માટે ખાદ્યપદાર્થોની ચકાસણી કરવી, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવી. ઉપરાંત, ગોમતી ઘાટ ખાતે બેરીકેટીંગ તેમજ યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા સહિતની બાબતે ચર્ચા વિચારણા કરી. આ સાથે બેટ દ્વારકા તેમજ શિવરાજપુર અને નાગેશ્વર સહિતના પ્રવાસન સ્થળો પર દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખતા સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી. જોશી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, વહીવટદાર અને નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર મનોજ દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા, સાગર રાઠોડ સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
