મનોચિકિત્સકો અને નિષ્ણાંતો પાસેથી મળશે સચોટ માર્ગદર્શન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 26થી શરૂ થઈ રહેલી ધોરણ-10 અને ધોરણ-12ની મુખ્ય જાહેર પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે વિશેષ ’હેલ્પલાઇન સેવા’ શરૂ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષાના દિવસો નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં જોવા મળતા સ્વાભાવિક ’પરીક્ષાના ડર’ અને માનસિક તણાવને દૂર કરવા માટે આ પહેલ કરવામાં આવી છે.બોર્ડના સચિવ આર.આર. વ્યાસના જણાવ્યા અનુસાર, આ નિ:શુલ્ક ટેલિફોનિક સેવા આવતીકાલ તા. 12થી શરૂ થશે અને 18 માર્ચ સુધી કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ, વાલીઓ કે શાળા સંચાલકો સવારે 11:00 થી સાંજે 6:00 સુધીના સમયગાળા દરમિયાન ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર કોલ કરીને સીધું માર્ગદર્શન મેળવી શકશે. રજાના દિવસોમાં પણ આ સેવા ચાલુ રહેશે જેથી વિદ્યાર્થીઓને સતત મદદ મળી રહે.ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરને કારણે ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા નાની અમથી મુશ્કેલીમાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસતા હોય છે. આવા સમયે તેમને યોગ્ય દિશા બતાવવા માટે હેલ્પલાઇન પર વિષય નિષ્ણાતો ઉપરાંત ’એક્સપર્ટ કાઉન્સેલર’ અને અનુભવી ઉપસ્થિત રહેશે.
