બીગ બજાર અને અમીન માર્ગ પર બનનાર ફુટ ઓવરબ્રીજ માટેના ટેન્ડર પ્રસિધ્ધ

મનપા દ્વારા રૂા.10.17 કરોડનો ખર્ચ કરાશે: બજેટમાં કરાયેલી જોગવાઈ

રાજકોટમાં ત્રિકોણબાગ, આત્મીય કોલેજ રોડ, ગ્રીનલેન્ડ ચોકડીએ ફુટ બ્રીજના પ્લાનને મોકુફ રાખીને, મેટ્રો ટે્રનના રૂટની શકયતા ધ્યાને લઇને આ પ્રોજેકટ અન્યત્ર ફેરવવા બજેટમાં નિર્ણય લેવાયો છે ત્યારે હાલના અંદાજપત્ર વર્ષમાં રહેલી યોજનાઓ આગળ વધારતા બીગબજાર ચોક અને અમીન માર્ગ કોર્નર પર રોડ ક્રોસ કરવા રાજકોટના પ્રથમ બે ફુટ ઓવરબ્રીજ બનાવવાના ટેન્ડર મહાપાલિકાએ પ્રસિધ્ધ કર્યા છે.
બીઓટીના ધોરણે (ડીઝાઇન, બિલ્ટ, ઓપરેટ અને ટ્રાન્સફર) મોડલના આધારે બે ફુટ ઓવરબ્રીજ સાથે રર ગેન્ટ્રી બોર્ડ પણ મુકવાના કામનો ટેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીગ બાઝાર ચોકથી બંને તરફ જતા રસ્તે અને અમીન માર્ગ કોર્નર પર બીઆરટીએસ રૂટ ક્રોસ કરે તે પ્રકારના ફુટ બ્રીજ બનાવવા અધિકારીઓએ આયોજન કર્યુ છે.
શહેરના અનેક મુખ્યમાર્ગો ઉપર અને 150 ફુટ રોડના બીઆરટીએસ ટ્રેકના કારણે રોડ ક્રોસ કરવા માટે ખુબ લાંબા ડિવાઇડરના ચકકર કાપવા પડે છે. 10.7 કિ.મી.ના બીઆરટીએસ ટ્રેક પર સીટી બસ સિવાય કોઇ વાહન સળંગ દોડી શકતા નથી. અનેક ચોક બાદ મોટા ભાગે ડિવાઈડર બંધ છે. આથી પગપાળા જતા લોકોને મુશ્કેલી પડે છે. ભુતકાળમાં કાલાવડ રોડ સહિતના માર્ગ પર ફુટ બ્રીજ અને સ્કાયવોકના આયોજન કરીને પડતા મુકાયા છે. પરંતુ ચાલુ વર્ષના બજેટમાં તેનો સમાવેશ કરાયો હતો. આથી ટેન્ડર બહાર પડાયા છે. 150 ફૂટ રીંગરોડ તેમજ અન્ય રાજમાર્ગો પર ફૂટઓવરબ્રિજ બનાવવા વર્ષોથી આયોજન થાય છે જેમાં પ્રારંભીક ધોરણે બે બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. 150 ફૂટ રીંગરોડ ઉપર બીગબજાર સર્કલ અને અમીન માર્ગ કોર્નર ઉપર રૂા.10.17 કરોડના ખર્ચે બીઓટીના ધોરણે બ્રિજ તૈયાર કરી એજન્સીને પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ સહિતની જવાબદારી સાથે સોંપવામાં આવશે. આ માટે હવે ઓફરની રાહ જોવાશે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર કે જયા પગપાળા પસાર થવાની જગ્યા ઓછી છે તે બીગબજાર સર્કલ ખાતે 1 ફૂટ ઓવર બ્રિજ બનાવવા નકકી કરાયું છે તેવી જ રીતે અમીન માર્ગ તરફથી આવતા શહેરીજનોને 150 ફુટ રોડ, કાલાવડ રોડ તરફ જવા માટે બીગબજાર સર્કલ થઇને અથવા કેકેવી ચોક સુધી ફરવુ પડતુ હોય અમીન માર્ગ રોડના કોર્નર ઉપર ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે.
વેસ્ટ ઝોન કચેરી દ્વારા આ બંન્ને પ્રોજેકટ સંપૂર્ણ પણ પીપીપીની જેમ બીઓટીના ધોરણે હાથ ધરાશે. એજન્સીને બંન્ને સ્થળ ઉપર જગ્યા ફાળવવામાં આવશે. ત્યારબાદ એજન્સી દ્વારા ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરી પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ કરવાનુ રહેશે. એજન્સી દ્વારા બંન્ને ફૂટ ઓવર બ્રિજ પર 22 ગ્રેન્ટ્રી હોર્ડિંગ તથા બેનર લગાવી આવક ઉભી કરવામાં આવશે. નવા નાણાંકીય વર્ષમાં ટેન્ડર બાદ દરખાસ્તો મંજૂર થાય તો નવી બોડીના કાર્યકાળમાં બંન્ને ફૂટ ઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે તેમ મનાય છે.
ઉલ્લેખનીય છે કે દોઢ દાયકા પહેલા કાલાવડ રોડ ઉપર સ્વામીનારાયણ મંદિર સામે ફૂટ બ્રિજ બનાવવાની જાહેરાત, સ્થળમાં ફેરફાર, કામ શરૂ થયા બાદ તેના પાયા તોડી પાડવામાં આવ્યા હતા. આ સિવાય ફુટ બ્રીજના પ્લાન હજુ સુધી સફળ થયા નથી. આથી હવે નવા નાણાંકીય વર્ષમાં આ કામ કયારે શરૂ થશે તે પ્રશ્ર્ન છે.

રિલેટેડ ન્યૂઝ