મહાશિવરાત્રીના મેળામાં તબીબો સહિત 210 આરોગ્ય કર્મીઓ સેવારત
મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્ર દ્વારા 2405 ભાવિકોને જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે. મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 28 જેટલા દવાખાના ઉભા કરવામાં આવ્યા છે. અહીં 210 જેટલા આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે. મેળામાં લોકોના આરોગ્યની ઈમરજન્સી સમયે દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે 13 એમ્બ્યુલન્સ અને 6 ‘108’ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મેળાના વિવિધ રૂટ પર તૈનાત રાખવામાં આવી છે.
નાકોડા યુપીએચસી ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસર ડો. હાર્દિક ઉસદડિયાએ જણાવ્યું હતું કે, નાકોડા યુપીએચસીને આઈસીયુ સેન્ટર તરીકે પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીં 24*7 કલાક રેસીડેન્ટ ડોક્ટર, એમડી ફિઝિશિયન, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ હાજર હોય છે. અહીં 10 થી 12 જેટલા બેડની સુવિધા, વેન્ટિલેટર, ઇસીજી મશીન ઓક્સિજન સુવિધા સાથે નેબ્યુલાઈઝેશન ,લેબોરેટરી તપાસ, દવા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઈમરજન્સીમાં દાખલ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
