ન કરે નારાયણ ને… પરીક્ષા સમયે જ બોમ્બની ધમકી મળે તો?: સરકાર એલર્ટ

રાજયમાં શાળાઓને બોમ્બની ધમકી મળી રહી છે ત્યારે આગોતરૂં આયોજન
મુખ્ય સચિવની તમામ જિલ્લા કલેકટર, પોલીસ વડાઓ, ડીડીઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજાઇ

ગુજરાતમાં શાળાઓને મળી રહેલા ધમકીભર્યા ઇમેઇલ વચ્ચે હવે રાજય સરકાર એકશનમાં આવી છે અને ખાસ કરીને પરીક્ષાઓ સમયે જો આ પ્રકારની ધમકી મળે તો શું કરવું તે અંગે એક તાત્કાલીક પ્રક્રિયા ઘડી કાઢવાની સુચના અધિકારીઓને આપવામાં આવી છે. અમદાવાદ, વડોદરા સહિતની શાળાઓમાં છેલ્લા બે દિવસમાં ધમકીભર્યા ઇમેઇલ મળતા રાજયના મુખ્ય સચિવ સંજીવકુમારે આજે અમદાવાદ સહિત રાજયના તમામ પોલીસ કમિશ્ર્નર તેમજ કલેકટર તથા ડીડીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજવાની તૈયારી કરી છે. ગઇકાલથી જ સીબીએસઇની ધો. 10 અને 1રની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને થોડા જ દિવસમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થનાર છે તે સમયે જો આ પ્રકારની ધમકી મળે તો કઇ રીતે પરીક્ષા ડિર્સ્ટબ ન થાય અને વિદ્યાર્થીઓ કોઇ તનાવમાં ન આવે તે જોવા માટે એક પ્રક્રિયા ઘડી કાઢવામાં આવશે અને તમામ જિલ્લા કલેકટરોને તેના અમલમાં દેખરેખ રાખવા જણાવાશે. આ ઉપરાંત પરીક્ષાઓના પ્રારંભે જ દરેક પરીક્ષા સેન્ટરની અગાઉથી પુરી રીતે ચકાસણી થશે. વિદ્યાર્થીઓને પણ ચકાસીને અંદર જવા દેવાશે અને શાળાઓની બહાર પોલીસ તેમજ એમ્બ્યુલન્સ પણ ગોઠવાશે અને બોમ્બ સ્કોવડ અને ડોગ સ્કવોડ પણ પરીક્ષા પૂર્વે જે તે કેન્દ્રોની ચકાસણી કરીને સબ સલામતનો સંદેશો આપશે.

રિલેટેડ ન્યૂઝ