ઉનામાં કેસર કેરીના બગીચામાં વન કેસરીના રખોપા

કેરીની સિઝન પૂર્વે ઉનાના ઝુડવડલી અને ઘાટલા વિસ્તારમાં સિંહ પરિવારની હાજરી, વાડી માલિકો અને શ્રમિકોમાં ભયનો માહોલ

ઉના પંથક સિંહોના કાયમી વસવાટ માટે જાણીતો છે, જ્યાં વનરાજોની અવરજવર હવે સામાન્ય બની છે. તાજેતરમાં ઉનાના ઝુડવડલી ગામમાં આવેલી અલ્પેશ બાંભણીયાની આંબાવાડીમાં એક સિંહ આવી ચઢ્યો હતો.આ સિંહ આંબાના ઝાડ નીચે આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. વનકેસરી જાણે બગીચાનું રખોપું કરી રહ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.માત્ર ઝુડવડલી જ નહીં, પરંતુ ઉના નજીકના ઘાટલા વિસ્તારમાં પણ એક સિંહણ ખેતરમાં કલાકો સુધી પડાવ નાખીને બેઠેલી જોવા મળી હતી. ખેતરોમાં દિવસભર સિંહ પરિવારની હાજરીને કારણે વાડી માલિકો અને શ્રમિકોમાં ભયનો માહોલ છે. વનરાજોના ડરથી શ્રમિકો ખેતરમાં કામ કરવા જતા અચકાઈ રહ્યા છે, જેના કારણે ખેતીકામ પર માઠી અસર પડી રહી છે.ખેડૂતોની ચિંતા વ્યાપી ગયેલ છે અને વન વિભાગ આગામી દિવસોમાં કેરીની સિઝન શરૂ થવા જઈ રહી છે. આંબાવાડીઓમાં જ્યારે પાક ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સિંહોના આગમનથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સિંહ પ્રભાવિત વિસ્તારોમાં વન વિભાગ દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારવામાં આવે. શ્રમિકો અને ખેડૂતોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે જેથી સિઝન દરમિયાન કામગીરી ખોરવાય નહીં.હાલમાં આ બંને વિસ્તારોમાં વનરાજોની સક્રિયતાને જોતા વન વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

રિલેટેડ ન્યૂઝ