ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણીના માર્ગદર્શનમાં 15માં વર્ષે દ્વારકા પદયાત્રી સેવા કેમ્પ યોજાયો
હોળી – ધૂળેટીના પાવન પર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર ખાતે યોજાતા પરંપરાગત ફૂલડોલ મહોત્સવમાં સહભાગી બનવા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વને રાજાધિરાજની નિશ્રામાં ઉજવવા માટે જામનગર, રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં પણ, સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી લાખ્ખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકા પહોંચતા હોય છે. ત્યારે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સતત 15 માં વર્ષે પણ દ્વારકા જતા પદયાત્રીઓ માટે તા. 23 થી 28 ફેબ્રુઆરી સુધી મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપની સામે અત્યાધુનિક સુવિધા સાથેનો ‘દ્વારકા પદયાત્રી સેવા કેમ્પ’ શરૂ કરવામાં આવ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તેની સામાજિક ઉતરદાયિત્વની પહેલ અંતર્ગત સામાજિક કલ્યાણ અને આધ્યાત્મિક સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા આ સેવા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે શુદ્ધ પાણી, ચા -કોફી નાસ્તા તથા સવાર-સાંજ પૌષ્ટિક ભોજનની અવિરત સેવા આપવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, ધનરાજભાઈ નથવાણીએ પદયાત્રીઓની સુવિધા, ભોજન વ્યવસ્થા, આરામ, સ્વચ્છતા અને સેનિટેશનની ઝીણવટપૂર્વક ચકાસણી અર્થે કેમ્પની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે પદયાત્રીઓ પાસેથી કેમ્પની સુવિધા અંગેના પ્રતિભાવો મેળવ્યા હતા.
આ કેમ્પમાં પદયાત્રીઓ માટે એમ્બ્યુલન્સ સેવા સાથે પ્રાથમિક તેમજ તબીબી સહાય સતત 24 કલાક ઉપલબ્ધ કરાવાઈ હતી. સાથોસાથ તેમના થાક અને દર્દને દૂર કરવા માટે ફૂટ મસાજ (પગની માલિશ) સહિતની આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પમાં ભાઈઓ તથા બહેનો માટે અલગ-અલગ વિશ્રામ-ટોયલેટ તથા મોબાઇલ ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. રાત્રે અંધારામાં પદયાત્રા ચાલુ રાખનારા ભાવિકોને સંભવિત અકસ્માત સામે રક્ષણ આપવા તેમના સામાન પર કે અન્યત્ર રિફ્લેક્ટર લગાવી આપવામાં આવે છે જેનાથી પાછળથી આવતા વાહનચાલકો સચેત રહી શકે. આ સાથે ખંભાળિયા નજીક કંપની દ્વારા ખાસ મેડિકલ કેમ્પ પણ કાર્યરત છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત ગૃહિણીઓ, વડીલો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકો સતત 24 કલાક સમયદાન આપી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ 2011થી ધનરાજભાઈ નથવાણીના દુરંદેશી નેતૃત્વ તળે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સીએસઆર પ્રતિબદ્ધતા અને કરૂણાસભર સેવાની ઉમદા પહેલ સમાન શરૂ થયેલ આ સેવાયજ્ઞમાં જરૂરિયાત મુજબ ઉમેરો થતા થતા આજે એક સુસંગઠિત, આધુનિક અને સર્વાંગી સેવા કેમ્પના વિરાટ રૂપમાં પરિણમ્યો છે.
આ કેમ્પમાં દર વર્ષે લાભાર્થીઓની સંખ્યામાં સતત અને નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ પદયાત્રીઓએ આ સેવા કેમ્પનો લાભ લઈ સુવિધા, ભોજન સહિતની વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
