શેરબજાર-રૂપિયો ઘટ્યા: સોનુ-ચાંદૃી, ક્રૂડ સળગ્યા

વિશ્ર્વભરમાં નાણાં બજારને યુધ્ધની કારમી થપાટ: સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 2700 પોઇન્ટ ગગડ્યો: રૂપિયો 47 પૈસા તૂટ્યો: બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરને પાર : ચાંદી 3 લાખની નજીક

ઇરાન પર અમેરિકા-ઇરાનના પ્રચંડ હુમલા પછી હાલત વધુને વધુ ખરાબ થવા લાગતા નાણઆંકીય માર્કેટોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. શેરબજારમાં સેન્સેક્સ-નિફટી તથા કરન્સી માર્કેટમાં રૂપિયો ધડામ થયા હતા. જ્યારે સોનુ-ચાંદી તથા ક્રૂડતેલમાં જબરદસ્ત તેજી ભડકી ઉઠી હતી.
વિકએન્ડમાં મધ્યપૂર્વમાં યુધ્ધના મંડાણ થવા સાથે જ આજે નવા સપ્તાહના પ્રારંભે જ માર્કેટોમાં જબરદસ્ત ઉથલપાથલ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવતી જ હતી અને તે મુજબ જ વિવિધ માર્કેટોમાં જબરી ઉથલપાથલ સર્જાઇ હતી. શેરબજારને લાગે વળગે છે ત્યાં સુધી ભારત સહિત દુનિયાભરના શેરમાર્કેટ ગગડ્યા હતા. ડાઉજોન્સ ફ્યુચર અંદાજીત 400 પોઇન્ટ તૂટ્યો હતો.
હેંગસેંગમાં 425 પોઇન્ટ, સિંગાપોર એસટીમાં 88 પોઇન્ટ, તાઇવાન ઇન્ડેક્સ 190 પોઇન્ટ, જાર્કાતા 132 પોઇન્ટ ગગડ્યા હતાં.
ભારતીય શેરબજારમાં પણ શરૂઆતથી જ વેચવાલીનો પ્રચંડ મારો શરૂ થઇ ગયો હતો. ગેપડાઉન ખુલ્યા બાદ આંશિક રિકવરી બાદ ફરી નીચે સરકવા લાગ્યો હતો. યુધ્ધની ક્રૂડ સહિતની કોમોડીટીની કિંમતોમાં કેટલી અસર થશે અને સપ્લાઇ ચેઇન કેટલી હદે ખોરવાશે? ભારતીય અર્થતંત્ર પર અસર સહિતની અટકળોને કારણે ગભરાટનો માહોલ હતો. મોટાભાગના ક્ષેત્રોના શેરોમાં ગાબડા હતા. લેવાલીમાં સાવચેતી સામે વેચવાલીનો મારો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધ લાંબુ ચાલવાના ટ્રમ્પના વિધાનોથી ગભરાટ વધુ વકર્યો હતો. આવતા દિવસોમાં કેવી હાલત સર્જાઇ છે તેના પર આધાર રહેશે. માર્કેટનો ટ્રેન્ડ હવે ગભરાટભર્યો અને અનિશ્ર્ચિત બની રહેવાનું માનવામાં આવે છે.
શેરબજારમાં મોટાભાગના શેરો તૂટ્યા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 80,000 તથા નિફટી 25000ની નીચે ઉતરી ગયા હતા. એક તબકકે ઇન્વેસ્ટરોના 8 લાખ કરોડનું ધોવાણ થયું હતું. સેન્સેક્સ 1398 પોઇન્ટ ઘટીને 79888 સાંપડ્યો હતો.
જે ઉંચામાં 80632 તથા નીચામાં 78543 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 418 પોઇન્ટના ઘટાડાથી 24759 હતો તે ઉંચામાં 24989 તથા નીચામાં 24645 હતો.
શેરબજારની જેમ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ ધડામ થયો હતો અને 47 પૈસા ગગડવા સાથે 91.44 ડોલર હતો.
યુધ્ધની સૌથી વધુ અસર ક્રૂડતેલમાં હતી તેમાં જોરદાર તેજી ફાટી નીકળી હતી અને ભાવ વર્ષની નવી ઉંચાઇની નજીક પહોંચી ગયો હતો. અખાતના દેશો પણ યુધ્ધની લપેટમાં આવી ગયા છે અને ક્રૂડની સપ્લાયને મોટી અસર થવાની ભીતિથી તેમાં જોરદાર તેજી થઇ હતી. ડબલ્યૂટીઆઇ ક્રૂડ 73.28 ડોલર સાંપડ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ ઉંચામાં 80.17 ડોલર થઇને 80.14 ડોલર હતું. ઇન્ટ્રા-ડે 10 ટકા સુધીની તેજી થયાના નિર્ર્દેેશ હતા. સપ્લાય ચેઇન ખોરવાથી અનેક દેશોમાં કટોકટીની હાલત ઉભી થવાની આશંકા વ્યકત થતી હતી.
બીજી તરફ સોના-ચાંદીમાં પણ તેજી ભડકી હતી. યુધ્ધ જેવા કટોકટીભર્યા સંજોગોમાં સોના-ચાંદીને જ સેફ હેવન એસેટ ગણવામાં આવતા હોય છે અને તેમાં ધૂમ લેવાથી ભાવમાં ઉછાળો હતો. વિશ્ર્વબજારમાં સોનુ 5407 ડોલર સાંપડ્યું હતું. જ્યારે ચાંદીનો ભાવ 95.60 ડોલર હતો. રાજકોટમાં હાજર સોનુ 173600 હતું.
ચાંદી 2.98 લાખ હતી. કોમોડીટી એક્સચેંજમાં સોનાનો ભાવ ઉંચામાં 169679 થઇને 169050 સાંપડ્યો હતો. ચાંદીનો ભાવ 297799 થઇને 296280 હતો.

રિલેટેડ ન્યૂઝ