પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી હાથ ધરી
ઓખાના મધદરિયે બે દિવસમાં બે માછીમારના હાર્ટએટેકથી મોત નીપજયા બાદ આજે વિચિત્ર ઘટના સામે આવી છે. સાગર નામની બોટના ટંડેલે પોતાના ગળા પર છરી મારી દરિયામાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી છે. મરીન પોલીસે મૃતદેહનો કબજાહે સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી જિલ્લાના કૃષ્ણપુર વિસ્તારના મૂળ રહીશ અને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા નવીનકુમાર મનોજભાઈ ટંડેલ નામના 31 વર્ષના યુવાન શનિવારે કરુણા સાગર નામની બોટમાં પોતાના હાથમાં છરી લઈને જેમ-તેમ બોલતા હતા. ત્યાર બાદ તેમણે પોતાના હાથમાં રહેલી છરી વડે પોતાના ગળામાં છરી મારી દીધી હતી. આ પછી તેઓ બોટ પરથી દરિયામાં પડી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સુનિલકુમાર ગોવિંદભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
ભાણવડના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
ભાણવડના જકાતનાકા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ઉર્ફે જગો નવીનભાઈ પરમાર નામના 31 વર્ષના યુવાને શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરે રૂમમાં રહેલા પંખામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જે અંગેની જાણ મૃતકના પિતા નવીનભાઈ ધનજીભાઈ પરમારએ ભાણવડ પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના ગુંદા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ચેતનભાઈ વલ્લભભાઈ અમૃતિયા નામના 48 વર્ષના પટેલ યુવાનને ગઈકાલે રવિવારે હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા વલ્લભભાઈ ગોવિંદભાઈ અમૃતિયાએ ભાણવડ પોલીસને કરી છે.
ખંભાળિયામાં બાઈક હંકારી જતા તસ્કરો
ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામના પાટીયા પાસે પાર્ક કરીને રાખવામાં આવેલું રૂપિયા 15 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રાજેશભાઈ જાદવભાઈ ડાભી (ઉ.વ. 24, રહે. ગઢકા) એ અહીંના પોલીસ મથકમાં નોંધાવી છે.
ખંભાળિયામાં બે મોબાઈલ ફોનની ચોરી
ખંભાળિયાના પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતા અશોકભાઈ અમૃતલાલ બોડા નામના 68 વર્ષના વૃદ્ધનો રૂપિયા 20,000 ની કિંમતનો મોબાઈલ ફોન અહીંની એક હોટલમાંથી તેમજ ખંભાળિયા નજીકના એક ખાનગી કંપનીમાં આવેલા પ્લાન્ટમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મૂળ રહીશ એવા આનંદભાઈ ઠાકોરભાઈ પટેલનો રૂ. 22,700 ની કિંમતનો એક મોબાઈલ ફોન કોઈ ગઠિયો સેરવી ગયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાઈ છે.
