સાંગણવા ગામના ખેડૂત અશોકભાઈ સાવલિયા ઉંમર વર્ષ 52 છેલ્લા છ વર્ષથી કિડની ફેલ્યુર રોગને લીધે ડાયાલિસિસ પર હતા. તેમની પોતાની ઈચ્છા પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની હતી. પરંતુ ભગવાને એમની જિંદગીમાં અલગ જ લખ્યું હતું. તારીખ 3 માર્ચના રોજ તેઓ સવારે ડાયાલિસિસ માટે આવતા હતા ત્યારે રસ્તામાં જ એમની તબિયત બગડતા માથું દુખવા લાગ્યું અને થોડા સમયમાં જ બેભાન થઈ ગયા. આથી તેમને તાત્કાલિક ધોરણે ઓલમ્પસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં વધુ તપાસ કરતા માલુમ થયું કે અશોકભાઈને બ્રેઇનમાં ખૂબ જ મોટું હેમરેજ થઈ ગયું છે અને તેમની બચવાની શક્યતા નથી. આ વખતે અશોકભાઈના પુત્ર શ્રીમિતભાઈ અને એમના સંબંધી દિવ્યમ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર નિશાબેન મહેતાની સાથે ચર્ચા કરતા હતા કે હવે આગળ શું કરવું ? ત્યારે નિશાબેને મીતભાઈ ને સમજાવ્યું કે તેમની બંને કિડનીઓ ફેઈલ હતી પરંતુ જો લીવર સારું હોય તો એમના લીવરનું અંગદાન કરીને બીજા દર્દીની જિંદગી બચાવી શકાય. આ સાંભળીને મીતભાઈ અને એમના સંબંધીઓએ આ બાબતે વધુ જાણકારી માટે ડો. દિવ્યેશ વિરોજા (નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપરન્ટ ફિઝિશિયન)નો સંપર્ક કર્યો અને ડો. વિરોજાએ તેઓને અંગદાન વિશે સંપૂર્ણ માહિતી આપી. ત્યાર પછી અશોકભાઈના પિતા ઘેલાભાઈ, દીકરા મીતભાઈ, પત્ની ઉષાબેન, દીકરી આરઝુબેન, અશોકભાઈ ના બંને ભાઈઓ કેશુભાઈ અને રમેશભાઈ અને એમના ભત્રીજા યોગેશભાઈ અને મહેન્દ્રભાઈ તથા તેમના બહેન શ્રીમતી જયાબેન બધા સંબંધીઓએ સાથે મળીને અશોકભાઈ ના અંગદાન કરવાનું નક્કી કર્યું. આથી તરત જ ડો. વિરોજાએ ઓલમ્પસ હોસ્પિટલના ડો. મિહિર તન્નાનો સંપર્ક કરી અંગદાન માટેની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. ડો.મિહિર તન્નાએે પણ આ બાબતને ત્વરિત ગતિએ આગળ વધારવા વ્યવસ્થા કરી. પરંતુ ગુજરાત સરકારની અંગદાન નું સંકલન કરતી સંસ્થા જઘઝઝઘમાં ઓલમ્પસ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ન હતું. આથી ત્યાંથી અંગદાન શક્ય ન હતું. આ વખતે હંમેશા ની જેમ બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટની બધી જ સુવિધા હોવાથી અશોકભાઈને બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં આઇસીયુ એમ્બ્યુલન્સ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા. બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં ન્યૂરો ફિઝિશિયન ડો. કાર્તિક કાછડીયા, ક્રિટિકલ કેર ફિઝિશિયન ડો. કરણ મોઢવાડિયા, નેફ્રોલોજીસ્ટ ડો. દિવ્યેશ વિરોજા, ડો આનંદ કારીયા દ્વારા અશોકભાઈ નું બ્રેઈન ડેડ હોવાના ટેસ્ટ કરીને બ્રેઇનડેડ નું સર્ટિફિકેટ આપ્યું. ત્યારબાદ કોર્ડીનેટર ડો. અમિત ગોહેલે જઘઝઝઘમાં જાણ કરી અને સમગ્ર અંગદાન ની પ્રક્રિયાનું કોર્ડિનેશન કર્યું. સુરતથી કિરણ હોસ્પિટલની ટીમ અશોકભાઈ ના લીવરનું અંગદાન લેવા માટે સુરતથી રાજકોટ તાત્કાલિક ધોરણે ટ્રાન્સફર થઈ અને તારીખ 4 માર્ચના રોજ અશોકભાઈના લીવરનું અંગદાનનું ઓપરેશન કર્યુ. આ લીવરને ગ્રીન કોરીડોર દ્વારા રાજકોટ એરપોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું અને એર એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુરત મુકામે કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
આ સમગ્ર ઓપરેશન દરમિયાન બી ટી સવાણી કિડની હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગ, ટ્રસ્ટીઓ તથા સમગ્ર આઈસીયુ તથા ઓપરેશન થિયેટરની ટીમનો ખૂબ જ સહકાર રહ્યો.
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના સમાજસેવિકા ભાવનાબેન મંડલી પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટ્રાફિક પોલીસનું ગ્રીન કોરીડોર માટે સંકલન કર્યુ અને દર્દીના સગા ની સાથે રહી સાંત્વના આપી હતી.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્વરિત ગતિએ ગ્રીન કોરિડોર બનાવી લીવર ને એરપોર્ટ સુધી પહોંચાડ્યું હતું. આવી રીતે આજના ધૂળેટીના પાવન દિવસે અશોકભાઈ ના અંગદાનને લીધે લીવર ફિલ્યોરથી પીડાતા એક દર્દીના જીવનમાં સ્વસ્થતાના નવા રંગ ફેલાશે.
