મુલતાની નગરમાં રાત્રે રમી રહેલા માસૂમ બાળકો અને 60 વર્ષીય વૃદ્ધાને બચકા તોડી લેતા ગંભીર
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં શનિવારે રાત્રે એક હડકાયા શ્ર્વાને જાણે ખૂની ખેલ ખેલ્યો હોય તેમ ભારે આતંક મચાવ્યો હતો. મુલતાની નગર વિસ્તારમાં થયેલા આ અચાનક અને જીવલેણ હુમલામાં 3 માસૂમ બાળકો અને એક 60 વર્ષીય વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ હાલતમાં તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
શનિવારે રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે મુલતાની નગરના રહેણાંક વિસ્તારમાં રસ્તા પર બાળકો રમી રહ્યા હતા. ત્યારે અચાનક એક હડકાયો શ્ર્વાન આ બાળકો પર ભૂખ્યા વરની જેમ તૂટી પડ્યો હતો. આ હુમલામાં 3 બાળકોને શ્ર્વાને ક્રૂરતાથી પીંખી નાખતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાળકોને બચાવવા પડેલા નજીકમાં જ હાજર 60 વર્ષો સાબીનાબેન ખાનજી મુલતાનીને પણ આ શ્ર્વાને છોડ્યા ન હતા અને તેમને પણ શરીરના ભાગે ગંભીર બચકાં ભરી લીધા હતા.
બાળકો અને વૃદ્ધાની બૂમાબૂમ તથા ચીચીયારીઓ સાંભળીને સ્થાનિક રહેવાસીઓ જીવના જોખમે તરત જ દોડી આવ્યા હતા. મહામહેનતે શ્ર્વાનને ભગાડીને ઈજાગ્રસ્તોને વધુ ચૂંથાતા બચાવી લેવાયા હતા. ત્યારબાદ તમામને તાત્કાલિક પ્રભાસ પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્ર (ઈઇંઈ) ખાતે સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ વેરાવળ-સોમનાથ જોડિયા નગર વિસ્તારમાં રખડતા શ્ર્વાનોની સમસ્યા હવે જીવલેણ હદે ગંભીર બની ચૂકી છે. સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રખડતા કૂતરાઓનો જમાવડો છે, જે ગમે ત્યારે કોઈનો પણ ભોગ લઈ શકે છે. નાગરિકોનો સીધો આક્ષેપ છે કે, નગરપાલિકા તંત્રને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ આ ગંભીર સમસ્યાના નિવારણ માટે કોઈ જ અસરકારક કાર્યવાહી કરતા નથી.
