વડિયામાં અધૂરા કામથી આંગણવાડી બની પશુવાડો: ઠેરઠેર ગંદકી

અધૂરા કામના કારણે ભૂલકાઓને ભાડાના મકાનમાં બેસવું પડે છે: તંત્ર તાકીદે યોગ્ય કરશે?

સમગ્ર ગુજરાત માં નાના ભૂલકાઓને માટે આંગણવાડી કેન્દ્ર માં પ્રારંભિક શિક્ષણ આપવામાં આવે છે. અહીં થી બાળક શિક્ષણ ની શરૂવાત કરે છે. વડિયામાં ઢૂંઢિયા પીપળીયા નાકા પાસેની આંગણવાડી જર્જરિત છે તે ભાડાના મકાનમાં બેસે છે તો ઢોળવા નાકા પાસે આવેલી આંગણવાડી નંબર -91 વર્ષ 2023-24 માં મનરેગા યોજના તળે મંજુર કરવામાં આવી હતી.અને તે સમયે તત્કાલીન નાયબ મુખ્ય દંડક અને હાલના મંત્રી કૌશિક વેકરિયાએ ખાતમુર્હત કરીને આ કામગીરી શરુ કરાવવામાં આવી હતી. આ કામગીરી શરુ થયાને ત્રણ વર્ષ થઇ ચુક્યા છે હજુ આ કામ અધવચ્ચે પડ્યું છે અને લગભગ છેલ્લા દોઢ વર્ષથી આ કામ બંધ હાલત માં પડ્યું છે. ત્યારે આ આંગણવાડી અત્યારે નવુ બાંધકામ હોવા છતાં ઘણા સમયથી પડતર પડ્યું હોવાથી નબળી ગુણવતા તરફ જઈ રહ્યું છે અને સમગ્ર આંગણવાડી નુ નિરીક્ષણ કરીએ તો અંદર પશુવાડો હોય તેમ પશુના છાણ ના પોદરા અને ગંદકી ના ગંજ ખડકાયા છે. ત્યારે આ કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા કોઈ છે કે નહિ ? આ ભાજપ સરકાર માં કામ હાથમા લે તે તરત પૂરું કરાવે તેવુ કોઈ કહેવા વાળુ છે કે નહિ. આ બાબતે વડિયા ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા તાલુકા સ્વાગતમાં પ્રશ્ન મુકતા આઇસીડીએસ વિભાગ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે હાલ કોઈ એજન્સી નથી બે પ્રયત્ન કર્યા કોઈ એજન્સી આવતી નથી અને ત્રીજા પ્રયત્નની પ્રોસેસ ચાલુ છે. તો શું એજન્સી ના હોય તો અધૂરા કામ અધૂરા જ પડ્યા રહે કે પછી અન્ય કોઈ જોગવાઈ કરી ને આ 30%જ બાકી કામ પૂર્ણ કરી શકાય. ત્યારે સમગ્ર ઘટના જોતા જવાબદાર અધિકારીઓને વડિયાની આ આંગણવાડીનુ કામ પૂર્ણ કરવુ જ ના હોય તેમ ત્રણ વર્ષથી ગોટે ચડી રહ્યું છે અને હવે એટલી હદે એ પહોંચ્યું છે કે જો અત્યારે કામ શરુ થાય તો લોકાર્પણ પેહલા તેનું રીનોવેશન આવી શકે!ત્યારે નબળું કામ હટાવી ઘટતા નાણાં ફાળવી અન્ય કોઈ યોજના થ્રુ આ અધૂરી આંગણવાડી નુ કામ પૂર્ણ કરવામાં આવે જેથી ભાડાના મકાનમાં બેસતા બાળકોને સારી સુવિધાઓ આપાવી શકાય પણ એના માટે નેતાઓ અને વહીવટી તંત્ર ની ઇચ્છા શક્તિ હોવી જરૂરી છે.હવે જોવાનું એ રહ્યું કે આ આંગણવાડી નુ કામ ક્યારે પૂર્ણ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

રિલેટેડ ન્યૂઝ