ઉના પાસે ગમખ્વાર અકસ્માતમાં નાયબ મામલતદારના માતાનું મોત

બોલેરો કારે ટકકર મારતા છકડો રીક્ષાના બે ટુકડા થઈ ગયા: પરિવારની અન્ય બે મહિલાની હાલત ગંભીર

ઉના-ભાવનગર હાઈવે પર ગાંગડાગામ નજીક સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં ઉનાના નાયબ મામલતદાર ભાવેશ ગોહિલના પરિવારના સભ્યો ભોગ બન્યા છે. પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારે છકડો રિક્ષાને જોરદાર ટક્કર મારતા છકડો રિક્ષાના બે ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારની અન્ય બે મહિલાઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ભાવેશ ગોહિલનો પરિવાર ગાંગડા ગામે રહે છે. પરિવારના સભ્યો રુકુબેન ધીરુભાઈ ગોહિલ (65), દિલીપ ધીરુભાઈ ગોહિલ (40), હંસાબેન દિલીપ ગોહિલ (35) અને રાધુબેન મનુભાઈ ગોહિલ (60) છકડો રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરેથી વાડીએ જઈ રહ્યા હતા.આ દરમિયાન સનખડા આઉટપોસ્ટની સામેથી પસાર થઈ રહેલી બોલેરો કાર (નંબર ખઇં 43 ઈઊં 7952)ના ચાલકે છકડો રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે છકડો રિક્ષાના ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર તમામ મુસાફરો રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા તમામ સભ્યોને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રુકુબેન ગોહિલ નું નિધન થયું હતું. જ્યારે હંસાબેન અને રાધુબેનની સ્થિતિ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્ત દિલીપ ગોહિલ હાલ ઉના ખાતે સારવાર હેઠળ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગાંગડા પાસે સર્વિસ રોડની સુવિધા ન હોવાથી આ વિસ્તાર ’એક્સિડન્ટ ઝોન’ બની ગયો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અહીં બેરિકેડ્સ મુકવા કે ગતિ મર્યાદાના નિયમોનું પાલન કરાવવા બાબતે ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. પોલીસે આ મામલે બોલેરો ચાલક રામદયાલ ભોલાસી (રહે. મુંબઈ)ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બનતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી

રિલેટેડ ન્યૂઝ