તાલાલા (ગીર)માંથી નકલી દુધ બનાવવામાં ઉપયોગી રો-મટીરીયલ્સનો જથ્થો ઝડપાયો

એલ.સી.બી તથા એસ.ઓ.જી બ્રાન્ચે નકલી દૂધ બનાવવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો: પોલીસે નકલી દુધ બનાવવાનાં રો-મટીરીયલ મળી કુલ રૂ.92 હજાર 900નો મુદ્દામાલ સીઝ કર્યો

તાલાલા તાલુકાનાં ગુંદરણ ગીર ગામ પાસે આવેલ પ્રેમનગર ચારણ નેશમાંથી ગીર સોમનાથ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નકલી દૂધ બનાવવાના ગોરખધંધાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.આ દરોડા દરમ્યાન પોલીસે નકલી દુધ બનાવવાનાં રો-મટીરીયલ તથા સાધનો કબજે કર્યા હતા.નકલી દુધ બનાવવાનાં રો-મટીરીયલ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરતા આ જથ્થો તાલાલા ખાતેથી ખરીદ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી. બ્રાંચ ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા, પી.એસ.આઈ. આર.એચ. સુવા, એ.એસ.આઈ જીગ્નેશગીરી ગોસ્વામી એ ગીર સોમનાથ જિલ્લા ફુડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી સ્ટાફ સાથે તાલાલા શહેરના નરસિંહ ટેકરી વિસ્તારમાં આવેલ સંજય કરિયાણા ભંડાર નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો.પોલીસે ચેકીંગ કરતા દુકાનમાંથી નકલી દૂધ બનાવવા ઉપયોગી કેમિકલ્સ,પાઉડર અને પામતેલ નો જથ્થો મળી આવ્યો હતો..ફૂડ સેફ્ટી અધિકારી કૃપાબેન શિંગાળા તથા ટીમે નકલી દૂધ બનાવવામાં ઉપયોગી રો-મટીરીયલ્સ ની તપાસ કરતા જથ્થો આરોગ્ય માટે હાનિકારક હોવાનું જણાતાં રો-મટીરીયલ્સ નાં નમુના લઇ જથ્થો સીઝ કર્યો હતો જેમાં નકલી દૂધ બનાવવાનો લેબલ કે માર્કા વગરનો પાઉડર બાચકા નંગ-6 કિ.રૂ.સાત હજાર 800, મલ્ટોડેક્સટ્રિન પાઉડર બાચકા નંગ-35 કિ.રૂ.45 હજાર 500,પામતેલ બોકસ-11 કિ.રૂ.39 હજાર 600 મળી કુલ રૂ.92 હજાર 900 નાં મુદ્દામાલ નો સમાવેશ થાય છે.સીઝ કરેલ જથ્થાના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.પોલીસે દુકાનદાર વિજય કેશવલાલ ઉનડકટ ઉ.વ.50 રે.તાલાલા વાળા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આરોગ્ય સામે ગંભીર ખતરારૂપ હાનીકારક કેમિકલ્સના મિશ્રણથી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું જે લોકોની આરોગ્ય સુખાકારી માટે જોખમરૂપ બની શકે તેમ હોય જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.આ કાર્યવાહી વધુ વિસ્તારમાં પણ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું..

રિલેટેડ ન્યૂઝ