ધારાસભ્ય કાળુ રાઠોડે વિકાસના કામોનો પ્રારંભ કરાવ્યો, ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત
ઉના તાલુકાના સનખડા, ખત્રીવાડા અને સોંદરડી ગામને જોડતા માર્ગો પર કુલ રૂ. 2.38 કરોડના ખર્ચે નાળાના તથા રોડ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રીના પાવન દિવસે ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડના હસ્તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આ કાર્ય સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત, સનખડાથી ખત્રીવાડા જતા રોડ પર રૂ. 1.52 કરોડથી વધુના ખર્ચે બે નાળા (નાળા-2) અને ખત્રીવાડાથી સોંદરડી રોડ પર રૂ. 86 લાખના ખર્ચે એક નાળા (નાળા-1)નું નિર્માણ થશે.
આ ભૂમિપૂજન પ્રસંગે સનખડા, ખત્રીવાડા અને સોંદરડી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સનખડા ગામના સરપંચ રવિભાઈ રાઠોડ, ક્ષત્રિય સમાજના અગ્રણી અજુભાઈ ગોહિલ, ઘરવી પટેલ સમાજના અગ્રણી હમીરભાઈ જાદવ, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અરજણભાઈ ગોહિલ, બાબુભાઈ ગોહિલ, ભાવુભાઈ ચાવડા, તાલુકા ભાજપ મહામંત્રી હસમુખભાઈ ગોહિલ, ખત્રીવાડા ગામના સરપંચ જીતુભાઈ શિયાળ અને સોંદરડી ગામના સરપંચ મનાભાઈ ગોહિલ સરપંચ હામભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ રોડ અને નાળાના કામો પૂર્ણ થવાથી આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન એક ગામથી બીજા ગામ તરફ જતા રસ્તા પર લોકોને પડતી હાલાકીમાંથી આગામી દિવસોમાં મુક્તિ મળશે.આ ઉપરાંત, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સનખડાના ઝાંપાની પણ મુલાકાત લીધી હતી. જ્યાં વીર હમીરજી ગોહિલની પ્રતિમા અને બગીચાનુંનિર્માણ થવાનું છે. આ અંગે તેમણે ઉપસ્થિત આગેવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
