પોલીસે રૂા. 1.90 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો કબજે કર્યો
માંગરોળ પોલીસે આજે સતર્કતા સાથે માંગરોળ – કેશોદ રોડ ઉપર જતા બે બોલેરો રોકી, શંકાસ્પદ અનાજનો લાખો રૂપિયાનો જથ્થો પકડી પાડયો છે, તે સાથે પકડાયેલા આ શંકાસ્પદ અનાજ અંગે મામલતદારને રિપોર્ટ કર્યો છે, અને બીજી બાજુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
માંગરોળ પી.આઈ. જે.જે. પટેલ અને તેની પોલીસ ટીમે આજે બે બોલેરો પિકઅપ વાહનમાં ભરાયેલો ઘઉં તથા ચોખા જથ્થો માંગરોળથી કેશોદ તરફ જતો હતો, ત્યારે શંકાસ્પદ બોલેરો વાહનને રોકી તપાસ કરતા તેમાંથી વિપુલ પ્રમાણમાં અનાજનો જથ્થો મળી આવ્યો હતો, જે અનાજ સરકારી અનાજ હોવાની શંકા જતા 6935 કિલ્લો ચોખા તથા 1855 કિલ્લો મળી કુલ 8790 કિલો અનાજનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ અનાજ આશરે રૂ. 1,89,670નું મનાઈ રહ્યું છે.
હાલમાં પોલીસે શંકાસ્પદ અનાજ તથા રૂ. 6,00,000 ના બે બોલેરો પિક અપ વાહન મળી કુલ રૂ. 7,89,670 નો મુદામાલ કબજે કરી, આ અંગેનો રિપોર્ટ મામલતદારને મોકલવામાં આવ્યો છે, બીજી બાજુ પોલીસે દ્વારા કાયદેસર કાર્યવાહી કરી, ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
માંગરોળ પોલીસની સતર્કતાના કારણે આ અનાજ સરકારી હોવાની શંકા સાથે રૂ. 1.90 લાખનો કુલ 8790 કિલો ચોખા, ઘઉં સહિતનો અનાજનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે અને મામલતદાર દ્વારા અનાજની ચકાસણી અને તપાસ બાદ ખરેખર આ અનાજનો જથ્થો સરકારી હોવાનું માલુમ પડશે તો અનાજની હેરાફેરી કરનાર લોકોની સાથે આ ષડયંત્ર માં સંડોવાએલા શખ્સો સામે ગુન્હો નોંધી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ માંગરોળ પીઆઇ દ્વારા જાણવા મળી રહ્યું છે.
