ધાર્મિક ઉલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી
વેરાવળમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની આ વર્ષે ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો અને રામ ભક્તોએ ઉમંગભેર ઉજવણીમાં ભાગ લીધો હતો.
વેરાવળ શહેરમાં વખારિયા બજાર સ્થિત ત્રિકમ રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, યુવાનો અને હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા. ડી.જે.ના તાલે તેમજ ઢોલ-શરણાઈ ના નાદ સાથે યુવાનો “શ્રી રામ જય રામ જય જય રામ”ના ગુંજતા નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કર્યું હતું. શોભાયાત્રાના માર્ગ પર વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા ઠેરઠેર સ્વાગત દ્વારા ઉભા કરી યાત્રા નું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલ વર્ષા, ઠંડા પીણા અને પ્રસાદનું વિતરણ કરી ભક્તો ને આવકારવામાં આવ્યા હતા.
વેરાવળના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ રામ મંદિર માં છેલ્લા નવ દિવસથી રામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. વહેલી સવાર થી લઈને રાત્રી સુધી વધાઈ, રામ ધુન અને ભજન-કીર્તન નો માહોલ રહ્યો હતો. જન્મ ક્ષણે બપોરે બાર વાગ્યે ભગવાન શ્રી રામના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી.
