તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ મિસ ગુજરાત સુપર મોડલ સ્પર્ધામાં અમદાવાદની વતની તથા જામનગરની પી.વી.મોદી સ્કૂલની વિદ્યાર્થિની રહી ચૂકેલ મૈત્રી અશોકકુમાર ચાવડા એ પ્રથમ ક્રમે વિજેતા થઈ ગુજરાત સુપર મોડલ અંતર્ગત મિસ ગુજરાત નો ખિતાબ જીતી નગરનું ગૌરવ વધાર્યું છે. 19 વર્ષીય મૈત્રી એ બાળપણ થી જ પોતાની પ્રતિભાનો પરિચય આપવાનું આરંભ કરી દીધુ હતું. ગરબા સ્પર્ધાઓ, કેન્સર સંલગ્ન રાષ્ટ્રીય કક્ષાનાં કાર્યક્રમો, કાવ્યપઠન-નિબંધ લેખન, ડાન્સ કોમ્પીટીશન, ડિબેટ, લેગ પુલિંગ સહિત સ્પોર્ટ્સની સ્પર્ધાઓમાં સહભાગી તથા વિજેતા થઈ અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે મૈત્રી જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. અશોક ચાવડા ની પુત્રી છે. જેઓ ખ્યાતનામ સાહિત્યકાર છે અને ’બેદિલ’ તખલ્લુસથી ખ્યાતિ પામ્યા છે તથા સાહિત્ય ક્ષેત્રે અકાદમીથી થઈ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાનાં અને ફિલ્મોના પુરસ્કારો મેળવી ચૂક્યા છે. આમ, મૈત્રીએ પોતાનાં પરીશ્રમથી માતાશ્રી મધુ ચાવડાની નિશ્રામાં આગવી પ્રતિભા કંડારી છે. હાલમાં મૈત્રી ફોરેન્સિક સાયન્સનાં અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. શિક્ષણ અને કલા ક્ષેત્રે ઝળહળતું પ્રદર્શન કરવા ઉપરાંત સૌદર્ય સ્પર્ધામાં પણ બાજી મારીને મૈત્રીએ પોતાને કલા અને જ્ઞાન સાથેની અનોખી સૌદર્ય પ્રતિભા તરીકે સાબિત કરી છે. મૈત્રી પોતાની આ સફળતાનો શ્રેય પરિવારને આપે છે.
