ચાલુ સપ્તાહમાં જ ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થઇ શકે છે
રાજયની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાની સાથે જ વહીવટીતંત્રની સાથે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં પ્રાથમિક મતદાર યાદીની પ્રસિધ્ધિ બાદ આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ હવે તા.1 એપ્રિલને ગુરૂવારે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ બાદ આ અંગે રિપોર્ટ રાજય ચૂંટણી આયોગને મોકલી આપવા રાજયના તમામ કલેકટરો અને ચૂંટણી અધિકારીઓને આદેશ આપી દેવામાં આવેલ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય ગરમાવો વ્યાપી જવા પામેલ છે. રાજકોટ જિલ્લામાં રાજકોટ મ્યુ. કોર્પોરેશન રાજકોટ જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજજ બનવા લાગેલ છે. રાજયમાં 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને નગરપાલિકાઓની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાર યાદીની પ્રસિધ્ધિ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાર યાદીની પ્રસિધ્દિની સાથે જ ચાલુ સપ્તાહમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામુ પણ પ્રસિધ્ધ થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ પડી જશે આ વખતે નવા મતદારો ચૂંટણીમાં નિર્ણાયક સાબીત થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠકો કબ્જે કરવા માટે રાજકીય પક્ષોએ પણ ઉમેદવારોની યાદી તૈયાર કરવા અને મતદારોને રીઝવવા માટે કવાયત અત્યારથી જ શરૂ કરી દીધી છે.
