કાળઝાળ ગરમી વચ્ચે અમરેલીમાં ફરી કમોસમી વરસાદ

જિલ્લાનાં દામનગર-લીલીયા પંથકના ગ્રામ્ય વિસ્તારો વરસાદથી ભીંજાયા: ખેતી પાકમાં નુકસાનીની ભીતિ

અમરેલી જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આજે ફરી એક વખત અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના છેવાડાના ગામોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબકતા લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.
લાઠી તાલુકાના દામનગર પંથકમાં આજે અચાનક વાદળછાયા માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. દામનગર સાથે ઠાસા, સુવાગઢ, ભટ્ટવદર, મૂળીયાપાટ અને રાભડા ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો.
જ્યારે લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને એકલારા અને ઢાંગલા ગામોમાં ઝાપટાં પડતા ખેડુતોમાં ચિંતા સાથે રાહતનો માહોલ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાવરકુંડલા અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ બાદ આજે દામનગર અને લીલીયા વિસ્તારમાં વરસાદ વરસતા હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો માટે વરસાદ રાહતરૂપ બન્યો છે, તો બીજી તરફ આ કસમયે પડતા વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ ખેડુતોમાં ઊભી થઈ છે. હવામાનમાં આવતો આ અચાનક ફેરફાર લોકોને આશ્ચર્યમાં મૂકતો હોય, આગામી દિવસોમાં પણ આવા બદલાવ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ