સતાધારનાં અલખનાં ઓટલે આત્મનિર્ભરતાની આરતી: રોજ 10 હજાર યાત્રાળુનું ભોજન બાયોગેસ પર તૈયાર થાય છે

સતાધાર ધામમાં ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત : 85 ઘટમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા 4 પ્લાન્ટ ચલાવવા રોજ 8 હજાર કિલો છાણનો ઉપયોગ થાય છે

જુનાગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સંત આપા ગીગાની જગ્યા સતાધાર ધામ તેની સંધ્યા આરતી દર્શન માટે પ્રખ્યાત છે. પણ આપા ગીગાનો આ ‘અલખનો ઓટલો’ હવે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભતાનું પ્રતિક બન્યો છે. સતાધારની જગ્યા સંધ્યા આરતીની પવિત્ર જ્વાળાની સાથે સાથે આત્મનિર્ભતાની જ્વાળા પણ પ્રજ્વલ્લિત કરી રહી છે. સતાધાર ધામમાં ગુજરાતનો સૌથી મોટી ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. 85 ઘટમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા 4 બાયોગેસ પ્લાન્ટ હાલ કાર્યરત છે અને બીજા બે 85 ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતાના નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે. સતાધારની જગ્યામાં એક હજાર ગાયો છે. અહીં યાત્રાળુઓ માટે એક વિશાળ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જ્યાં રોજ સરેરાશ 10 હજાર લોકો ભોજન લે છે. આ રસોડુ ચલાવવા માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે. બાયોગેસ ઉતપન્ન કરવા માટે રોજ 8 હજાર કિલો છાણનો ઉપયોગ થાય છે.
સતાધારનાં મંહત વિજયબાપુના જણાવ્યા મુજબ, અમે સંપુર્ણ રસોઇ બનાવવા માટે સંપુર્ણપણે આત્મનિર્ભર છીએ અને રસોઇ માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત, બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ સંસ્થાની ખેતીમાં કરવામાં આવે છે,. સંસ્થાનાં વ્યવસ્થાપકોના જણાવી રહ્યા છે કે, જ્યારે બાયોગેસ નહોતો ત્યારે રસોઇ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં રોજનું 800 થી 900 કિલો લાકડુ વપરાતુ હતું. જ્યારે સિલિન્ડરનો ઉપયોગ કરતા ત્યારે રોજ સરેરાશ 10 થી 15 જેટલા સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકારનાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (ૠઊઉઅ) દ્વારા ‘સંસ્થાકિય બાયોગેસ પ્લાન્ટ યોજના’ હેઠળ સંસ્થાઓને બાયોગસ પ્લાન્ટ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. સતાધાર ધામમાં પણ બાયોગેસ પ્લાન્ટ માટે સબસિડી આપવામાં આવી છે.

સંસ્થાઓને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે અપાય છે સબસિડી
ગુજરાતમાં આવેલી ગૌશાળાઓ, પાંજરાપોળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ચેરીટેબલ ટ્રસ્ટો પાસે મોટા પ્રમાણમાં પશુધન તેમજ ખેત કચરો અને રસોઈગૃહમાંથી નીકળતો એંઠવાડ ઉપલબ્ધ રહે છે. આ તમામ જૈવિક પદાર્થોને પ્રાણવાયુની ગેરહાજરીમાં (એનેરોબિક પ્રક્રિયા દ્વારા) કોહડાવતા બાયોગેસ ઉત્પન્ન થાય છે. ત્યારે રાજ્યમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા તેમજ ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં ઉત્પન્ન થતા જૈવિક કચરાનો વૈજ્ઞાનિક રીતે સદુપયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપનાની વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પ્લાન્ટ માટે સહાય આપવામાં આવે છે. બિનફાયદાકીય સંસ્થાઓને કુલ મૂલ્યના 75% સુધી અને નફાકીય સંસ્થાઓને 50% સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, સમગ્ર રાજ્યમાં 193 થી વધારે સંસ્થાકીય બાયોગેસ કાર્યરત છે. જેની કુલ ક્ષમતા 13955 ઘનમીટર પ્રતિ દિવસ જેટલી થાય છે. તથા ચાલુ વર્ષ 2025-26 દરમિયાન અંદાજે 60 સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ