જોખમી માતાઓના જીવ બચતા અને તંદુરસ્ત શિશુના જન્મ થતા પરિવારમાં ખુશી છવાઈ
જુનાગઢ જિલ્લામાં માંગરોળ તથા સાસણ લોકેશનની 108 ટીમના સમયસરના નિર્ણય અને સચોટ સારવારથી બે પ્રસૂતા અને તેમના બે નવજાત શિશુના જીવ બચાવી કરેલી સુંદર કામગીરીની ભારોભાર પ્રશંસા થઈ રહી છે.
માંગરોળની બાજૂમાં આવેલ નાંદરખી ગામમાં એક જોખમી માતા (હાઈ રિસ્ક મહિલા) ને પ્રસૂતિની પીડા ઉપડતા માંગરોળ 108ની ટીમે તેને એમ્બ્યુલન્સમા પ્રસૂતિ કરાવી હતી. એક પ્રસૂતાને નાંદરખી રહેતા ને પાંચમી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108ના ઈ.એમ.ટી. ઇદ્રીશ અમરેલિયા અને પાયલોટ રોહિત કામરિયાએ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો. કૃષ્ણા મેમ અને ડો. રૂચિના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી રસ્તામાં જ ડીલેવરી કરાવી હતી અને દીકરીનો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા. જ્યારે જિલ્લાના લાડૂલી ગીર ગામ ખાતે રહેતા એક સગર્ભા બહેનને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આઠ મહિનાનો ગર્ભ અને માત્ર 8% હિમોગ્લોબિન ધરાવતી આ માતાની પ્રથમ પ્રસૂતિ હોવાથી સ્થિતિ ગંભીર હતી. સાસણ લોકેશનના ઈએમટી વિપુલ દેવધરિયા અને પાયલોટ અસલમ જોખીયા તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. માતાને અસહ્ય દુખાવો થતો હોવાથી હોસ્પિટલ પહોંચાડવાને બદલે ઈએમટીએ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય કર્યો. અમદાવાદ હેડ ઓફિસના ડો. મહેશ સાથે ફોન પર સંપર્ક સાધી, તેમના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત નોર્મલ ડિલિવરી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ માતા અને નવજાત બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
માંગરોળ તથા સાસણ લોકેશનની 108 ટીમના સમયસરના નિર્ણય અને સચોટ સારવારથી બે પ્રસૂતા અને તેમના બે નવજાત શિશુના જીવ બચાવી કરેલી સુંદર કામગીરીને 108ના જૂનાગઢ જિલ્લા અધિકારી જયેશ મેઘનાથી અને પ્રોગ્રામ મેનેજર આકાશ દ્વારા બિરદાવવામાં આવી હતી.
