રાજયપાલ દ્વારા જાનનું સ્વાગત કરાયું: શહેરના રાજમાર્ગો પર જય દ્વારકાધીશના નાદ સાથે શોભાયાત્રા નીકળી
માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજી વિવાહ સત્કાર સમારોહનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે દ્વારકાના હાથી ગેટ પાર્કિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિવાહ સત્કાર સમારોહના સાક્ષી બનવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારકા આવતા ધારાસભ્ય મુળુભાઈ બેરા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સભ્ય સચિવ રમેશ મેરજા, કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા સહિતના મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
શ્રી કૃષ્ણ અને રુકમણીજી વિવાહ પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણની જાન વાજતે ગાજતે આવી પહોંચી હતી. જેને ઉમળકાભેર આવકારવા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકાના નગરજનો, સામાજિક સંસ્થાઓ વિગેરેએ ઉત્સાહભેર સહભાગી થઈ ભગવાન શ્રી કૃષ્ણ તથા રુકમણીજી ભાવભર્યું સ્વાગત અભિવાદન કર્યું હતું. જાનનું હાથી ગેટ ખાતે આગમન થતાં જ આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રજાપતિ સમાજ અને દ્વારા આનંદ ઉલ્લાસ સાથે શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રા દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. જે જગત મંદિરથી જોધાભા માણેક ચોક, ભદ્રકાળી ચોક, રબારી ગેટ થઈ રુકમણી મંદિર ખાતે ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા રુક્ષ્મણીજી મંદિર ખાતે પહોંચતા મંદિરના પૂજારી અને પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રુકમણી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ હાથી ગેટ પાર્કિંગ ખાતે નવ વિવાહિત યુગલ એવા શ્રી કૃષ્ણ – રુક્ષમણીજીના ભવ્ય સત્કાર સમારોહનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજન કરાયું હતું. જેમાં ઉત્તર પૂર્વ રાજ્યો સહિત ગુજરાતના વિવિધ કલાકારોએ રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેને બહોળી સંખ્યામાં નાગરિકોએ મન ભરીને માણી હતી.
આ શોભાયાત્રામાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, કલેકટર રાજેશ તન્ના, પોલીસ વડા જયરાજસિંહ વાળા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.
