સાળંગપુરમાં દર્શને આવેલા વૃધ્ધા પરિવારથી વિખુટા પડતા અભયમ્ ટીમે મિલન કરાવ્યું

181ના સ્ટાફની કાઉન્સિલીંગ દ્વારા સફળ કામગીરી

સાળંગપુર દાદાના દર્શનાર્થે આવેલ એક વૃદ્ધ મહિલા માટે 181 અભયમની ટીમ દેવદૂત સાબિત થઈ છે. અભયમ ટીમે માત્ર ગણતરીના કલાકોમાં જ માજીના પરિવારની ભાળ મેળવી તેમનું પરિવાર સાથે પુન:મિલન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો કે, સાળંગપુરમાં ત્રણ રસ્તા પાસે એક વૃદ્ધ મહિલા જેમની ઉંમર આશરે 60 વર્ષ હશે તેઓ લાંબા સમયથી એકલા બેઠા છે અને ખૂબ જ ગભરાયેલા જણાય છે. આ માહિતી મળતા તરત જ કાઉન્સેલર સોંડાગર જલ્પાબેન, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ હાર્દિક ભાઈ તુરંત ઘટનાસ્થળે પહોંચેલ. 181 ટીમે જોયું કે માજી શારીરિક રીતે અશક્ત હતા અને માનસિક તણાવને કારણે પોતાનું નામ કે સરનામું સ્પષ્ટ જણાવી શકતા નહોતા.
અભયમ ટીમે ખૂબ જ ધીરજપૂર્વક માજી સાથે વાતચીત કરી, તેમને પાણી આપી શાંત પાડ્યા હતા. સતત કાઉન્સેલિંગ દરમિયાન માજીએ પોતાના ગામ અથવા નજીકના કોઈ સગા વિશે થોડી કાચી-પાકી વિગતો આપી હતી અને જણાવેલ કે તેઓ સવારના પતિ સાથે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શનાર્થે આવેલ પણ ભીડના કારણે પતિથી જુદા પડી ગયેલ આ વિગતોના આધારે અભયમ ટીમે નેટવર્કનો ઉપયોગ મંદિરના સંચાલક તેમ અન્ય લોકો સાથે ટેલિફોનિક સંપર્ક કરી તપાસ શરૂ કરી હતી અને મંદિરમાં અનાઉન્સમેન્ટ કરાવ્યું, ટેકનોલોજી અને સ્થાનિક લોકોના સહયોગથી માજીના પરિવારનો સંપર્ક કરવામાં ટીમ સફળ રહી હતી. માજીના પરિવારજનો છેલ્લા કેટલાય સમયથી તેમની શોધખોળ કરી રહ્યા હતા. જ્યારે તેમને અભયમ ટીમ દ્વારા માજી સુરક્ષિત હોવાની જાણ થઈ, ત્યારે પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ માજીની સોંપણી તેમના પરિવારને કરવામાં આવી હતી. પોતાના સ્વજનને સહી-સલામત જોઈ પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે 181 અભયમ સેવાની તત્પરતા અને કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

રિલેટેડ ન્યૂઝ