આડકતરો ‘વોર ટેક્સ શરૂ થઈ ગયો
ગેસોલીન અને ડીઝલના ભાવ વધે તો દરેક ચીજવસ્તુઓના ભાવ વધે છે. અમેરિકામાં પણ હવે કંઈક આવું જ થઈ રહ્યું છે, ઈરાન વોરને કારણે ભાવવધારાની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં તેનો વ્યાપ પણ સતત વધતો રહેવાનો છે.
ગ્રોસરીથી લઈને બીજી તમામ ચીજવસ્તુઓ વહેલા નહીં તો મોડા તેની ઝપેટમાં આવી જશે કારણકે ઈરાન વોર ક્યારે સમાપ્ત થશે તે કંઈ જ નક્કી નથી.
એક્સપર્ટ્સ ત્યાં સુધી કહી રહ્યા છે કે ગેસ અને ડીઝલમાં થયેલો ભાવવધારો તો હજુ માત્ર શરૂઆત છે અને મોંઘવારી વધવાનો આ સિલસિલો ઘણો લાંબો ચાલે તેવી પૂરી શક્યતા છે કારણકે પહેલેથી જ ડચકા ખાઈ રહેલી ઈકોનોમીની હાલત વોરને કારણે વધુ ખરાબ થઈ રહી છે.
ઈરાન વોરમાં અમેરિકા રોજેરોજ અબજો ડોલરનો ધૂમાડો કરી રહ્યું છે, સ્વાભાવિક છે કે આ તમામ ખર્ચો ટેક્સપેયર્સ પાસેથી જ વસૂલ થવાનો છે. આમ તો અમેરિકાની સરકારે અત્યારસુધી વોરને લગતો કોઈ ટેક્સ પ્રજાના માથે નથી નાખ્યો પરંતુ અમેરિકાની પ્રજા પર સીધી નહીં તો આડકતરી રીતે આ યુદ્ધ ભારે પડી રહ્યું છે. ખાસ તો હોર્મુઝના બંધ થવાથી ક્રુડની કિંમતમાં થયેલા વધારાને કારણે અમેરિક્ધસના ખિસ્સાં હળવા થઈ રહ્યા છે.એક્સપર્ટ્સનું માનીએ તો એનર્જી કિંમતમાં થયેલો વધારો એક રીતે તો કસ્ટમર્સ માટે ટેક્સ સમાન જ છે કારણકે ગેસોલીન ને ડીઝલની કિંમત વધતા તેની અસર લગભગ તમામ ચીજવસ્તુઓ પર પડે છે. જો યુદ્ધને કારણે સર્જાયેલી સ્થિતિ થોડા સમય માટે રહેવાની હોય તો લોકો બચત પર કાપ મૂકી પૈસા ખર્ચવાનું ચાલુ રાખે છે પરંતુ જો આ સ્થિતિ લાંબા સમય માટે રહેવાનો ડર હોય તો પબ્લિક પૈસા ખર્ચવાનું જ ઓછું કરી નાખે છે અને તેના કારણે ઈકોનોમીમાં પૈસાનું સરક્યુલેશન ધીમું પડી જાય છે અને સૌ કોઈ પ્રભાવિત થાય છે.
