નવી દિલ્હી : પશ્ર્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષ અને ભારે તણાવની સ્થિતિ વચ્ચે ઈરાને ભારતની વિદેશ નીતિના મુક્ત કંઠે વખાણ કર્યા છે. ઈરાને જણાવ્યું છે કે તે ભારતની સ્વતંત્ર અને સંતુલિત વિદેશ નીતિથી અત્યંત પ્રભાવિત છે, જે કોઈપણ બાહ્ય દબાણ વગર રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે.
ઈરાનના વરિષ્ઠ અધિકારીઓ અને રાજદ્વારીઓએ સંકેત આપ્યો છે કે રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે મધ્ય પૂર્વનું સંકટ, ભારતે જે રીતે સંતુલન જાળવી રાખ્યું છે તે પ્રશંસનીય છે. ઈરાન માને છે કે ભારત એક એવી વૈશ્ર્વિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે જે પશ્ચિમી દેશો સાથેના સંબંધો જાળવી રાખીને પણ તેના જૂના મિત્ર દેશો (જેમ કે ઈરાન) સાથેના જોડાણને નબળું પડવા દેતું નથી.
સ્વાયત્ત નિર્ણયશક્તિ: અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારત પોતાની જરૂરિયાતો અને વૈશ્ર્વિક શાંતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે.
ભારતે હંમેશા સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા વિવાદો ઉકેલવા પર ભાર મૂક્યો છે, જે ઈરાન માટે સકારાત્મક સંકેત છે.
ચાબહાર પોર્ટ જેવા વ્યૂહાત્મક પ્રોજેક્ટસમાં ભારતનું સાતત્યપૂર્ણ રોકાણ બંને દેશોના મજબૂત સંબંધોનું પ્રતીક છે. જ્યારે વિશ્ર્વના મોટાભાગના દેશો બે જૂથમાં વહેંચાઈ ગયા છે, ત્યારે ભારતે કોઈ એક પક્ષે ઉભા રહેવાને બદલે ‘હિંસા મુક્તિ’ અને ‘નાગરિક સુરક્ષા’ની વાત કરી છે. ભારતની આ તટસ્થતાને કારણે જ ઈરાન તેને એક વિશ્ર્વાસપાત્ર મિત્ર તરીકે જોઈ રહ્યું છે. ઈરાની મીડિયા અને સરકારમાં એવી ચર્ચાઓ છે કે ભારત મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે એક મહત્વપૂર્ણ મધ્યસ્થી બની શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે, ઈરાન તરફથી મળેલા આ વખાણ ભારતની વધતી જતી સોફ્ટ પાવર અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાનો વિજય છે. ભારત માટે આ એક અત્યંત નાજુક સ્થિતિ છે કારણ કે તેણે ઈઝરાયેલ સાથેના સંરક્ષણ સંબંધો અને ઈરાન સાથેના ઉર્જા તથા વ્યૂહાત્મક સંબંધો વચ્ચે સંતુલન જાળવવાનું છે.
