અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે પક્ષનાં નિર્ણય સામે ઉઠાવ્યા અનેક સવાલ
ભાજપ દ્વારા 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવાના નિર્ણય સામે હવે પાર્ટી અંદરથી જ વિરોધના સ્વર ઉઠવા લાગ્યા છે. અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારેએ ટ્વીટ મારફતે આ નિર્ણય સામે ગંભીર પ્રશ્નો ઉઠાવી તેને અલોકતાંત્રિક ગણાવ્યો છે.ભાજપના 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવા અંગે લેવાયેલા નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ નિર્ણય સામે અમરેલી ભાજપના જ વરિષ્ઠ નેતા ડો. ભરત કાનાબારે ખુલીને વિરોધ નોંધાવ્યો છે.
ડો. કાનાબારે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, જનતંત્રમાં વરિષ્ઠ નાગરિકોના મત તો જોઈએ છે, પરંતુ તેમને પ્રતિનિધિત્વ આપવાનું નથી. આવો અભિગમ અન્યાયપૂર્ણ છે. તેમણે આ નિર્ણયને માત્ર અલોકતાંત્રિક જ નહીં પરંતુ ગેરબંધારણીય ગણાવ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રકારનો નિર્ણય વરિષ્ઠ નાગરિકો વિશે પરિવાર સમાજમાં ખોટી છાપ ઉભી કરે છે. કે તેઓ શારીરિક અને માનસિક રીતે જવાબદારી ઉઠાવવા સક્ષમ નથી. આથી વડીલોના મનોબળ અને આત્મવિશ્વાસ પર ગંભીર અસર પડે તેવી શક્યતા છે.
ડો. કાનાબારે આ મુદ્દે ભારતીય સંસ્કૃતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યાં એક તરફ ભારતીય પરંપરામાં વડીલોનું સન્માન કરવામાં આવે છે. ત્યાં બીજી તરફ આ પ્રકારના નિર્ણયો અસંસ્કારી પરિવારો જેવી માનસિકતા દર્શાવે છે. જ્યાં વડીલોની અવગણના કરવામાં આવે છે.તેમણે ચેતવણી આપી કે આ ઉતાવળમાં લેવાયેલા નિર્ણયને કારણે સમાજ અનુભવી અને વ્યવહારકુશળ વર્ગના માર્ગદર્શનથી વંચિત રહી શકે છે. વડીલોનો અનુભવ અને ડહાપણ સમાજ માટે અમૂલ્ય છે, જેને અવગણવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ નિર્ણયના લાંબા ગાળાના પ્રભાવોને ધ્યાનમાં લેતા, ડો. કાનાબારે પાર્ટી અંદર વ્યાપક ચર્ચા કરવાની માંગણી કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે પક્ષ આ મુદ્દે પુનર્વિચાર કરશે અને વરિષ્ઠ કાર્યકરોને યોગ્ય માન-સન્માન સાથે પ્રતિનિધિત્વ આપશે. આ સમગ્ર મામલો હવે ભાજપમાં આંતરિક ચર્ચાનો વિષય બની રહ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.
