તાલાલામાં 56 મતદાન મથક સંવેદનશીલ
તાલાલા નગરપાલિકા તથા તાલાલા તાલુકા પંચાયતની 18 અને ગીર સોમનાથ જિલ્લાની ત્રણ બેઠકો માટે આગામી 26 એપ્રિલ નાં રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે…આ માટે વહીવટી તંત્ર દ્વારા તાલાલા શહેરના વિવિધ શેરી મહોલ્લામાં ઉભાં કરવામાં આવેલ 14 મતદાન મથકો પૈકી બે બિલ્ડિંગમાં આવેલ પાંચ મતદાન મથક સંવેદનશીલ જ્યારે તાલાલા પંથકના વિવિધ ગામોમાં ઉભાં કરવામાં આવેલ 100 મતદાન મથકો પૈકી 34 બિલ્ડીંગ માં આવેલ 56 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. તાલાલા પી.આઈ.વિપુલભાઈ ગાગીયા એ આપેલ વિગત પ્રમાણે તાલાલા નગરપાલિકા તથા તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ થાય,લોકો નિર્ભયતા થી મતદાન કરી શકે માટે પોલીસને ચુંટણી પંચે આપેલ માર્ગદર્શન પ્રમાણે અગમચેતીના તમામ પગલાં ભર્યા છે.આ ઉપરાંત તાલાલા તાલુકાનાં વિવિધ ગામોમાં આવેલ 100 મતદાન મથકો માટે 120 હોમ ગાર્ડ,67 પોલીસ સાથે કુલ 187 તથા તાલાલા નગરના 14 મતદાન મથકો માટે 21 જવાનો મળી કુલ 208 જવાનો નો સંગીન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.મતદાન દરમ્યાન તમાંમ મતદાન મથકો ઉપર અવિરત પેટ્રોલિંગ ચાલુ રહેશે.તાલાલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે માટે પોલીસ દ્વારા તમાંમ તૈયારી કરવામાં આવી છે.
આગામી નગરપાલિકા તથા જીલ્લા-તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને તાલાલા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના અંતર્ગત તાલાલા વિસ્તારના મુખ્ય પ્રવેશદ્વારો ગણાતા ધણેજ(બાકુલા) તથા સાસણ નજીક ચિત્રોડ ગીર ગામના પાટીયા પાસે બે ચેક પોસ્ટ કાર્યરત કરી બંને ચેક પોસ્ટ ઉપરથી પસાર થતા નાના-મોટા તમાંમ વાહનોનું સઘન ચેકીંગ કરી શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમ તાલાલા પી.આઈ.વિપુલભાઈ ગાગીયા એ જણાવ્યું છે.ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ દ્રારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત તાલાલા વિસ્તારના વિવિધ ગામોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.મતદાન પ્રક્રિયા નિર્ભય અને સુચારૂ રીતે પૂર્ણ થાય,નાગરિકો કાયદાનું પાલન કરે તથા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસ તંત્રને જાણ કરવા નાગરિકોને અપીલ કરી છે.
