ઉનાના તડ ગામે લોક દરબારમાં કલેક્ટરે રાત્રિસભામાં ગ્રામજનોના પ્રશ્ર્નો સાંભળ્યા, ત્વરિત નિરાકરણના આદેશ

સ્ટ્રીટલાઈટ, ગૌચર, ગામતળ સહિતના પ્રશ્ર્નો રજૂ, સંલગ્ન અધિકારીઓને તાકીદ એચ.પી.વી. વેક્સિનેશનમાં અગ્રેસર રહેવા બદલ તડ ગ્રામજનોને કલેક્ટરના અભિનંદન

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય દ્વારા પ્રજાના પ્રશ્નોને પ્રત્યક્ષ સાંભળીને તેના ત્વરિત નિરાકરણ માટે ઉના તાલુકાના તડ ગ્રામપંચાયત ખાતે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ પોતાના જનહિતલક્ષી પ્રશ્નો અને પાયાની સમસ્યાઓ રજૂ કરી હતી.
રાત્રિસભામાં ગ્રામજનોએ ગામમાં સ્ટ્રીટલાઈટની અપૂરતી સુવિધા, ગ્રામપંચાયત હસ્તકની ગૌચરની જમીનને લગતા પ્રશ્નો, ગામતળના પ્રશ્નો સહિત અનેક મુશ્કેલીઓ કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી. કલેક્ટર એ તમામ રજૂઆતોને ધૈર્યપૂર્વક સાંભળી હતી અને સ્થળ પર ઉપસ્થિત સંલગ્ન વિભાગના અધિકારીઓને આ સમસ્યાઓના ત્વરિત અને સંતોષકારક નિરાકરણ માટે તાકીદના પગલાં લેવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કલેક્ટર ઉપાધ્યાયે તડ ગામમાં એચ.પી.વી. વેક્સિનેશનની કામગીરીને બિરદાવી હતી. આરોગ્ય પ્રત્યેની સભાનતા અને જાગૃતિ બદલ સમસ્ત તડ ગ્રામજનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ હાઈરિસ્ક ધરાવતી ધાત્રીમાતાઓ, કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની વિગતો મેળવી હતી. આશા વર્કર બહેનો દ્વારા તેમની નિયમિત આરોગ્ય તપાસણી સહિતના જરૂરી પગલાં લેવા આરોગ્ય વિભાગને સૂચિત કર્યું હતું.
કલેક્ટરશ્રીએ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ, મધ્યાહ્ન ભોજન યોજનામાં વિદ્યાર્થીઓની નિયમિત ઉપસ્થિતિ, આંગણવાડીમાં ભૂલકાંઓને મળતો પૌષ્ટિક નાસ્તો અને ટેક હોમ રાશનની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ તમામ યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓ ને માર્ગદર્શિત કર્યા હતા.અન્ન વિતરણ કાર્ડની કામગીરી માટે સમયમર્યાદા પી.એમ.જે.એ.વાય. કાર્ડની રીન્યુઅલ પ્રક્રિયા અને એફ.પી.એસ. હેઠળ થતા અન્ન વિતરણની વિગતવાર જાણકારી મેળવી હતી. જે લાભાર્થીઓના અન્ન વિતરણ કાર્ડની કામગીરી બાકી હોય તે એક અઠવાડિયાની અંદર પૂર્ણ કરવા માટે પુરવઠા વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી.
આ રાત્રિસભામાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ઉના ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી કે.આર. પરમાર, એસ.એમ.સી. સમિતિના સભ્યો, મામલતદાર તેમજ ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓઅનેબહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કલેક્ટર ની આ પહેલથી ગ્રામજનોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે અને વહીવટીતંત્ર પ્રજાના દ્વારે આવીને પ્રશ્નો ઉકેલે તેની પ્રશંસા થઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ