બે મહિલા એક સગીર સહિત પાંચને પાંચ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
સૌરાષ્ટ્રભરમાં સોનીની દુકાને જઈ અસલીની જગ્યાએ ખોટા દાગીના મૂકી છેતરપીંડી આચરતી ગેંગને ભાયાવદર પોલીસે પકડી રૂ.5 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઉપલેટાના ઢાંક ગામે વારાહી જવેલર્સમાં ઘુસેલ ગેંગે વેપારીની નજર ચૂકવી સોનાની વિંટી સેરવી ધાતુની વિંટી રાખી નાસી છૂટી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી બે મહિલા, એક સગીર સહિત પાંચ શખ્સોને દબોચ્યા હતાં.
ભાયાવદર પોલીસ મથક વિસ્તારમાં ઢાંક ગામે વારાહી જવેલર્સ નામે દુકાન ચલાવી સોના-ચાંદીની વસ્તુનો વેપાર કરતા વેપારી તુષારભાઈ મનસુખભાઇ કુલર (રહે. ઉપલેટા) એ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, ગઇ તા 28 ના સવારના આશરે અગ્યારેક વાગ્યાના અરસામા પોતે દુકાનપર હાજર હતા, એ દરમ્યાન ત્રણ અજાણી મહીલાઓ દુકાનમાં ખરીદી કરવાના બહાને પ્રવેશ કરી, પોતે ચરેલીયા ગામની હોવાની ખોટી ઓળખ આપી, ફરીયાદીને સોનાની વિટ્ટી તથા બુટ્ટી બતાવવાનું કહેતા ફરીયાદીએ આરોપી મહીલાઓને સોનાની વિટ્ટી તથા બુટ્ટીના બોક્સ આપતા આરોપી મહીલાઓએ ફરીયાદીની નજર ચુકવી સોનાની વિટ્ટીના બોક્સમા બે ખોટી ધાતુની વિટ્ટી રાખી ઓરીજલ સોનાની વિટ્ટી લઇ જઇ ફરીયાદી સાથે છેતરપીંડી કરી નાસી છૂટી હતી. જે અંગે ભાયાવદર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવાની આપેલ સુચનાથી ધોરાજી એએસપી સીમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી તે દરમ્યાન એએસઆઈ શક્તિસિંહ જાડેજા, કોન્સ્ટેબલ સત્યપાલસિંહ જાડેજા અને અજયભાઈ સોરઠીયાને મળેલ સંયુક્ત બાતમી અને આરોપીઓને ગુન્હામાં ઉપયોગમા લેધેલ વાહનની પોકેટ કોપ એપથી ઓળખ કરી આરોપીઓને ફૂલ રૂ. 5,01 લાખના મુદામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
પકડાયેલ આરોપીઓમાં પ્રવિણ કાન્તી જખવાડીયા, કિશન જીતેન્દ્ર મેટાળીયા (રહે. બંને ગામ વડીયા, કુકાવાવ), રૂપાબેન જયેશ ડાભી (રહે. જેતપુર, ઘેટાવાળા પ્લોટ), સવીતાબેન હકા ભોજવીયા (રહે. રહે. જેતપુર ઘેટાવાળા પ્લોટ) અને એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી સોનાની વિટ્ટી નંગ-2 રૂ.70 હજાર, બોલેરો અને મોબાઈલ નંગ -4 મળી કુલ રૂ.5.01 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ આરોપી મહીલાઓ સોનીની દુકાનમા ખરીદી કરવાના બહાને પ્રવેશ કરી ઓરીજનલ સોનાની વસ્તુની જગ્યાએ ડુપ્લીકેટ સોનાની વસ્તુ મુકી, ઓરીજનલ સોનાની વસ્તુ લઇ જઇ છેતરપીંડી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.
પોરબંદર, વિરમગામ, પ્રાચી, મીઠાપુર, તાલાલા સહિતના વિસ્તારોમાં છેતરપીંડી આચર્યાની કબૂલાત
બે મહીના પહેલા પોરબંદરમા સોની બજારમાં એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી કરેલ, બે મહીના પહેલા વિરમગામ પાસે મોડલ ગામમા એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી કરેલ, 25 દીવસ પહેલા બાંટવામાં એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી કરેલ, 20 દીવસ પહેલા મીઠાપુરમા એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી કરેલ, બે મહીના પહેલા પ્રાચીમા એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી, બે મહીના પહેલા તાલાલામાથી બે સ્થળો પરથી સોનાના ઘરેણાની છેતરપીંડી કર્યાની કબૂલાત આપી હતી.
