વર્લ્ડ અસ્થમા ડે નિમિત્તે વોક્હાર્ટ હોસ્પિટલ, રાજકોટ દ્વારા અસ્થમા અંગે જનજાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આજકાલ શહેરોમાં વધતા પ્રદૂષણ, ધૂળ, ધુમાડો અને બદલાતી જીવનશૈલીને કારણે અસ્થમાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
આ અંગે માહિતી આપતા વોક્હાર્ટ હોસ્પિટલ, રાજકોટના પલ્મોનોલોજિસ્ટ ડો. દર્શન નિમાવતે જણાવ્યું હતું કે અસ્થમા એ શ્વાસનળીની એક ક્રોનિક (દીર્ઘકાલીન) સમસ્યા છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ, વીઝિંગ (સીસકારો જેવો અવાજ), છાતીમાં ભાર લાગવો અને વારંવાર ખાંસી જેવી લક્ષણો જોવા મળે છે. ઘણા લોકો આ લક્ષણોને સામાન્ય માનીને અવગણે છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ડો. નિમાવત મુજબ શહેરોમાં વધતું વાયુ પ્રદૂષણ, વાહનોથી નીકળતો ધુમાડો, ઇન્ડોર પ્રદૂષણ, સ્મોકિંગ, તેમજ એલર્જી વધારતા પરિબળો અસ્થમાના મુખ્ય કારણો બની રહ્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે, પરંતુ હાલના સમયમાં યુવાનોમાં પણ તેના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અસ્થમા સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય તેવો રોગ છે. યોગ્ય દવાઓ, ઇન્હેલરનો યોગ્ય ઉપયોગ, ટ્રિગરથી બચવું અને નિયમિત ફોલો-અપ દ્વારા દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. અસ્થમા હોવા છતાં વ્યક્તિ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ, નોકરી કે રમતગમત પણ કરી શકે છે, જો યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળે.
