યુની.ના પરીક્ષા વિભાગની બેદરકારીથી મુશ્કેલીઓ વધી
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બીએસ.સી. સેમ-6નું પરિણામ હજુ જાહેર નહીં કરાતા દેકારો બોલી જવા પામેલ છે. પરીક્ષા લેવાયાના 38 દિવસ પછી પણ અંતિમ વર્ષનું પરિણામ હજુ જાહેર નહીં કરાતા પરીક્ષા વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામેલ છે. અહીંએ ઉલ્લેખનીય છે કે બીએસ.સી. સેમ-6ની આ પરીક્ષા માર્ચ-એપ્રિલ ર0ર6માં લેવામાં આવેલ હતી. 1ર68 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરંતુ કાયમી પરીક્ષા નિયામક વગરના યુનિ.ના મહત્વના આ પરીક્ષા વિભાગનો વહીવટ ધકેલપંચા દોઢસોની જેમ ઇન્ચાર્જથી ચાલી રહ્યો છે. યુનિ.ને લાંબા સમય પછી પણ હજુ કાયમી લાયકાતવાળા પરીક્ષા નિયામક મળેલ નથી. સતત વિવાદોમાં ઢસડાતી રહેતી આ યુનિ.માં હજુ થોડા સમય પહેલા જ જુનુ મહેનતાણુ નહીં ચુકવાતા અધ્યાપકો એ પેપર તપાસણીની કામગીરીનો બહિષ્કાર કરી દીધો હતો. આ પ્રશ્ર્ને સૌરાષ્ટ્ર યુનિ. વિસ્તાર અધ્યાપક મંડળના હોદ્દેદારોની રજુઆત બાદ આ પ્રશ્ર્ન ઉકેલાયેલ છે. પરંતુ બીએસ.સી. સેમ-6નું પરિણામ હજુ જાહેર નહીં કરાતા અન્ય યુનિ.ઓમાં માસ્ટર ડીગ્રીના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જવા પામેલ છે. આ પરિણામને તત્કાલ જાહેર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી છે.
