રાજકોટ જિલ્લા ક્રાઇમ ડાયરી

ગાંજાના આરોપીના 11 દિવસના રીમાન્ડ મંજૂર
રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જસદણથી ઘેલા સોમનાથ ગામ તરફ જતા શીવરાજપુર ગામના પાટીયાથી આગળ આવેલ જય વિહળાવાળા હોટલ પાસે ટ્રકમાં ત્રણ (1) રાજુભાઈ ચૌહાણ, (2) કાદરશા શેખ, (3) નરેશ ઉર્ફે હરીને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ગાંજો ટ્રકમાં સંતાડયો હતો. 108 કિલો 331 ગ્રામ ગાંજાની કિંમત રૂા. 54,16,550/- તથા મોબાઈલ ફોન તથા ટ્રક સહીત કુલ રૂા. 84,31,550નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો અને આરોપીઓની ધરપકડ કરાઈ હતી. પુછપરછમાં આરોપી અલેખા બીસનુંબહેરા રહે. ઓરીસ્સા વાળા પાસેથી લઈ આવી આરોપી મહમ્મદરફીક અસરફભાઈ લોદી તથા આરોપી અબ્દુલલતીફ ઓસમાણભાઈ સમા બંને રહે. કાલાવડ વાળાને આપવાનો હતો. ત્રણેય આરોપીઓને રીમાન્ડની જરૂરીયાત હોય ભાડલા પોલીસના પી.આઈ. એચ.જી. ગોહિલએ દિવસ-15 ના રીમાન્ડની અરજી રાજકોટની ખાસ એનડીપીએસ કોર્ટ સમક્ષ કરેલી. જેમાં સરકારી વકીલ પરાગ એન. શાહએ દલીલ કરેલી કે આરોપીઓના કોન્સીયસ પઝેશનમાંથી ગાંજાનો જથ્થો મળી આવેલ છે. ગાંજાની કોમર્શીયલ કવોન્ટીટી 20 કિ.ગ્રા. છે અને સદરહુ ગુન્હાના કામે પકડાયેલ ગાંજાનો જથ્થો કોમર્શીયલ કવોન્ટીટીથી પાંચ ગણાથી પણ વધારે છે. વધુમાં હાલના આરોપીઓ આ કામના મુખ્ય સપ્લાયર જેઓ ઓરીસ્સા ખાતે રહે છે તેઓને જોયે ઓળખે છે જેથી ત્રણેય આરોપીઓને ઓરિસ્સા લઈ જવા તથા સપ્લાયર આરોપીની ઓળખ માટે હાલના આરોપીઓની પ્રત્યક્ષ હાજરી માટે રીમાન્ડ જરૂરી હોય અને ગાંજાનો જથ્થો જેને આપવાનો હતો તેઓને પણ હાલના આરોપીઓ જોયે ઓળખતા હોય તેના માટે પણ હાલના ત્રણેય આરોપીઓની પ્રત્યક્ષ હાજરી માટે રીમાન્ડ જરૂરી હોય ત્રણેય આરોપીઓના રીમાન્ડ મંજૂર કરવા દલીલો કરેલી. જે ધ્યાને લઈ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યાં હતા. આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયેલા હતા.
ચેક રિટર્ન કેસમાં વેપારીને સજા-દંડ
રાજકોટ ખાતે સતનામ પ્લાસ્ટીકના નામે ફરિયાદી લક્ષ્મણદાસ જેમતમલ ધનકાણી પેઢી ચલાવતા હોય અને તે પઢીમાં બંગળીનું વેચાણ કરતા હોય, આરોપી નિશિત પ્રફુલભાઈ અનેપડીય પણ બંગળીનું વેચાણ કરતા હોય, સતનામ પ્લાસ્ટીક પેઢી પાસેથી માલની ખરીદી કરી હતી. માલની બાકી રકમ રૂ.1,39,122/- ની ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીએ સતનામ પ્લાસ્ટીક પેઢીને ચેક આપેલ. જે ચેક બેંકમાં રજુ કરતા તે ચેક વણબજયે પરત ફરેલ હતો. આરોપીએ લીગલ નોટીસ પાઠવ્યા બાદ પણ ચેકની રકમ ચુકવેલ નહોતી. જેથી ફરીયાદી લક્ષ્મણદાસએ આરોપી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી. જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણીએ કોર્ટ સમક્ષ ડોક્યુમેન્ટ તથા પુરાવાઓ રજુ કરેલ. દલીલો તથા રજુઆતોને ધ્યાને લઈ અને રાજકોટના ન્યાયાધીશ ડી.ડી.શાહએ વેપારી નિશિતને 2-વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ.1,39,122/- કરતા ડબ્લ રકમ આરોપીએ ફરીયાદીને વળતર પેટે 30 દિવસની અંદર ચુકવી આપવી જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો આરોપીને વધુ 6 માસની સજા કરતો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી સતનામ પ્લાસ્ટીક પેઢી વતી યુવા એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વીજય સીતાપરા, વીવેક સોજીત્રા, દિવ્યાબા વાળા, સંજય કાટોળીયા તથા ઘનશ્યામ શીરોડીયા રોકાયેલા હતા.
કારખાનામાંથી લોખંડનો સામાન ચોરી
કોઠારીયામાં શ્રમજીવી સોસાયટી શેરી નં. 5માં બાલવી કૃપા ખાતે રહેતાં અને ઘર સાથે જ ફેબ્રીકેશનનું કારખાનુ ધરાવતાં રાજેશભાઈ કાંતીભાઈ ચૌહાણ (ઉ.વ. 51)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાના ઘરની નીચે જ આવેલા શ્રી બાલવી ફેબ્રીકેશન નામના તેના કારખાનામાંથી ગઈ તા.28 ના રોજ ચોરી થઇ છે. કંપાઉન્ડ માં લોખંડનો સામાન રાખ્યોવ હતો. બીજા દિવસે એટલે કે તા. 29 ના રોજ બપોરે અઢીથી ત્રણ વાગ્યોના અરસામાં જ્યાડરે તેઓ આ સામાન લેવા ગયા, ત્યાારે ત્યાાં રાખેલ લોખંડની એન્ગેલો, પાઈપ અને સ્ટે ન્ડન જોવા મળ્યો નહોતા. ચોર દોઢ ફૂટની લોખંડની આશરે 50 નંગ એન્ગકલો (વજન 60 કિગ્રા), ચાર ફૂટ લાંબા બે નંગ લોખંડના પાઈપ (વજન 10 કિગ્રા) અને લોખંડના 8 નંગ સ્ટેવન્ડ0 (વજન 60 કિગ્રા) સહિત 130 કિલો લોખંડનો સામાન ચોરી ગયા છે.
165 બોટલ દારૂ સાથે ઝડપાયો
બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ જી.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગત તા. 7 ના રોજ કોન્સ્ટેબલ સુખદેવભાઈ દાંતી, નિરલભાઈ ધડુક, જગમાલભાઈ જાદવ સહિતની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, નવાગામ (આણંદપર) આવાસના ક્વાટર પાછળ જાહેર રસ્તા ઉપર એક શખ્સ સફેદ કલરના એક્ટિવા સ્કૂટરમાં આગળના ભાગે પુઠાના બોક્સમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી ઉભેલ છે. જે હકીકત મળતાની સાથે જ પોલીસની ટીમે દરોડો પાડતા એક શખ્સ એક્ટિવા સાથે મળી આવ્યો હતો. જેથી આ શખ્સને કોર્ડન કરી ઓળખ પુછતા તેણે પોતાનુ નામ રાહુલ વલ્લભ ડાભી (ઉ.વ.26, ધંધો-કલર કામ, રહે.ગોકુલપાર્ક મેઈન રોડ,પીઠડઆઈ શેરી પાસે, માંડા ડુંગર, આજીડેમ ચોકડી) જણાવ્યું હતું. બાદમાં સ્કૂટરના આગળના ભાગે રહેલ પુઠાના બોક્સની જડતી કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની રૂા. 49,500ની કિંમતની 165 બોટલ મળી આવી હતી. જેથી બીડીવીઝન પોલીસની ટીમે દારૂ, સ્કૂટર, મોબાઈલ મળી કુલ રૂા. 1,54,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં રાહુલ ડાભીને નવાગામનો શખ્સ દારૂ આપી ગયો હતો. અને રાહુલ પોતે છુટકમાં દારૂનો વેપલો કરતો હતો. જેથી હવે પોલીસની ટીમે નવાગામના શખ્સની શોધખોળ શરૂ કરી છે.
નાસતો ફરતો બુટલેગર ઝડપાયો
રાજકોટ શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે પેરોલ ફર્લો સ્ક્વોડને એક મોટી સફળતા હાથ લાગી છે. પ્રોહિબિશનના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીને રાજકોટ શહેરમાંથી જ દબોચી લીધો છે. પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એસ. ધાસુરા અને તેમની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમના માણસોને મળેલ ખાનગી બાતમીદારો (હ્યુમન સોર્સ) અને ટેકનિકલ એનાલિસિસના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે, ડીસીબી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી શહેરમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી રહીમ બરકત ખોરડીયા (ઉં.વ.37) ને દૂધસાગર રોડ પર આવેલી દૂધની ડેરીની સામે, લાખાજીરાજ સોસાયટીમાં ’રેડિયન્સ વ્યુ એપાર્ટમેન્ટ’ના ફ્લેટ નં. 203માંથી દબોચો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી રહીમ ખોરડીયા વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તા. 23/01/2024 ના રોજ દાખલ થયેલા આ ગુનામાં તે ત્યારથી જ પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. હાલ પોલીસે આરોપીને વધું તપાસ અર્થે તાલુકા પોલીસને સોંપ્યો હતો.
સગીરા ભેદી સંજોગોમાં લાપતા
ઢેબર રોડ નજીક રહેતા 44 વર્ષીય પ્રૌઢએ ભક્તિનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રીબડા ગામ પાસે આવેલ કંપનીમાં ડ્રાઇવીંગ કરે છે. તેમના પત્નીનું દોઢ વર્ષ પહેલા બ્રેઇન સ્ટ્રોકના કારણે મૃત્યુ થઇ ગયું છે. તેમના પરિવારમાં માતા-પિતા અને ચાર પુત્રીઓ છે. પ્રૌઢે જણાવ્યુ હતું કે, ગઇ તા.22/04 ના રોજ રાત્રીના સાડા બાર વાગ્યા સુધી તેઓ તેના માતા પિતા તથા ચારેય દિકરીઓ ઘરે બેઠા હતા. બાદ રાત્રીના એકાદ વાગ્યા આસપાસ તેઓ સુઇ ગયેલ હતો. રાત્રીના બે વાગ્યાની આસપાસ માતા બાથરૂમ કરવા ઉભા થયા ત્યારે લાઇટ ચાલુ કરતા 17 વર્ષીય મોટી પુત્રી તે ઘરમાં મળી આવી ન હતી. જેથી માતાએ તાત્કાલિક જગાડી જણાવેલ કે, તારી મોટી પુત્રી ઘરમાં નથી. બાદ ચાર્જીંગમા રહેલ મોબાઇલ લેવા જતા મારો મોબાઇલ પણ મળી આવેલ નહિ. જેથી મે મારા માતાના મોબાઇલમાથી મારા ફોનમા ફોન કરતા મારો ફોન સ્વીચ ઓફ આવતો હતો. બાદ પ્રૌઢ અને તેના ભત્રીજાએ સમગ્ર વિસ્તારમાં તેમજ બસ સ્ટેન્ડ ખાતે તપાસ કરી હતી, પણ પુત્રીની ભાળ મળી ન હતી. જેથી અંતે પ્રૌઢ પિતાએ ફરિયાદ આપતાં ભક્તિનગર પોલીસે અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી સગીરાની શોધખોળ શરૂ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ