અન્ય છ શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા : કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવા માંગ
તાલુકાના -ખાવડા વિસ્તારમાં દદ્ધરથી સાંધારા જતા રોડ પર પુલિયા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે, રોડની બન્ને બાજુ કોઈ આડસો, રિફલેક્ટર કે બાયપાસ બનાવવામાં આવ્યો ન હતો. અંધારામાં ખાડો ન દેખાતા સ્વિફટ ગાડી અને બે બાઈક સીધા ખાડામાં પડ્યા હતા. જેમાં નવ લોકોને ઈજાઓ થઈ હતી. જે પૈકી ત્રણનાં મોત થયા છે. આ બનાવમાં સ્વિફટ ગાડીમાં સવાર નુરબાઈ સમાનું મોત થયું હતું. તેમના દીકરી 20 વર્ષિય રેહાનાબેન જુમાભાઈને ઈજાઓ થતા અમદાવાદ સારવાર માટે લઈ જતા હતા ત્યારે રવિવારે બપોરે ધ્રાગંધ્રા પાસે મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, રેહાનાબેને ચાર દિવસ પહેલા દીકરીને જન્મ આપ્યો હતો. મધર્સ ડેના દિવસે જ ચાર દિવસની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી હતી. દરમિયાન બાઈક ખાબકી હતી. તેના પર સવાર સાંધારા ગામના 25 વર્ષિય રસીદભાઈ સુમારભાઈ કલરનું ગંભીર ઈજાઓના કારણે રવિવારે સાંજે મોત થયું હતું. આ બનાવમાં કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીની ગંભીર બેદરકારી છે. તેઓ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થવો જોઈએ તેવી માંગ ઉઠી છે. સ્થાનિકે આરોગ્ય સેવામાં પણ ખામી જોવા મળી હતી. હજી સુધી ખાવડા પોલીસે આ બનાવમાં કોઈ ગુનો દાખલ કર્યો નથી.
