જામનગરમાં ચોમાસા પૂર્વે વરસાદી પાણીના પ્રશ્ર્નોના કાયમી ઉકેલ માટે મનપાના પદાધિકારીઓનું સ્થળ નિરીક્ષણ

સમસ્યાઓના સત્વરે નિકાલ અંગે સુચનાઓ અપાઇ

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનું સમયસર નિરાકરણ લાવવા માટે જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પાંચેય પદાધિકારીઓએ આજે દરેડ વિસ્તારમાં સ્થળ પર જઈ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થાય, અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય નહીં, તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન્દ્ર મોનાણી, શાસક જૂથના નેતા અમર મોદી, તથા દંડક પ્રવીણાબેન રૂપડિયા એ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે દરેડ ખાતે આવેલા ખોડિયાર મંદિર નજીકની કેનાલ અને વરસાદી પાણીના પ્રવાહના માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું.
દરેડ વિસ્તાર જામનગર શહેર માટે વરસાદી પાણીના પ્રવાહની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન એકત્ર થતું પાણી વિવિધ કેનાલો અને કુદરતી જળમાર્ગો મારફતે શહેર તરફ આગળ વધે છે. જો સમયસર સફાઈ અને જાળવણી ન કરવામાં આવે તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈને મનપાના પદાધિકારીઓએ સ્થળ પર જઈ વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી.
પદાધિકારીઓએ દરેડથી રણમલ તળાવ સુધીના પાણીના પ્રવાહ માર્ગ, કેનાલોની સ્થિતિ, ગટર લાઈનો, ડ્રેનેજ વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની હાલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં જરૂરી જણાયું ત્યાં સફાઈ, કચરો દૂર કરવા, અવરોધો દૂર કરવા તેમજ પાણીના પ્રવાહને સરળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
આ પ્રસંગે મનપાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવા, ગંદકી અને અવરજવરમાં મુશ્કેલી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મનપા દ્વારા આગોતરા આયોજન કરવામાં આવી રહ્યું છે. વરસાદી પાણી લોકોના ઘરો સુધી ન પહોંચે અને શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તમામ નીચાણવાળા વિસ્તારોનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે કેનાલો, ડ્રેનેજ લાઈનો અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે વિશેષ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી સફાઈ અને જાળવણીની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન મનપાના અધિકારીઓ, એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ તથા સંબંધિત શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ