કોંગ્રેસે 83 વર્ષના ખડગેને વધુ એક ટર્મ રાજયસભા આપી: 2022માં ટિકીટ ન મેળવનાર પવન ખેડાની હવે તપસ્યા પુરી થઈ

ખડગે નવ વખત કર્ણાટકમાં ધારાસભ્ય, ત્રણ વખત મંત્રી, ત્રણ વખત વિપક્ષના નેતા અને 2009 થી 2019 લોકસભા અને ત્યારબાદ સતત રાજયસભામાં ચુંટાયા છે: નિવૃત થશે ત્યારે 89 વર્ષના હશે

રાજયસભાની ચુંટણી માટે એક તરફ ભાજપે તેના તમામ 11 ઉમેદવારોમાં નવા ચહેરાને મહત્વ આપ્યુ છે તથા નોરીપીટ થિયરી જાળવી રાખીને કેન્દ્રીય મંત્રીઓને પણ પડતા મુકવાની હિમ્મત બતાવી છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે 83 વર્ષના પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેને ટિકીટ આપીને પક્ષમાં અનેક યુવા અને મહત્વપૂર્ણ લોકોને નજરઅંદાજ કર્યા છે. જો ખડગેની રાજકીય કારકિર્દી જુઓ તો દેશના સૌથી સીનીયર રાજનેતા તરીકે સ્થાન મેળવે છે. તેઓ રાજયસભામાંથી હવે છ વર્ષ બાદ નિવૃત થશે ત્યારે તેની ઉંમર 89 વર્ષની થઈ ગઈ હશે. જયારે ભાજપે ગુજરાતમાં જે ઉમેદવારો પસંદ કર્યા છે તેમાં ત્રણ ઉમેદવારો 39 અને 45 વર્ષના છે અને ચારેય ઉમેદવારો જીલ્લા કક્ષાનું નેતૃત્વ ધરાવે છે. મલ્લીકાર્જુન ખડગે નવ વખત કર્ણાટકમાં ધારાસભ્ય રહી ચુકયા છે તેમાં ત્રણ વખત મંત્રીપદે પણ અને ત્રણ વખત વિપક્ષી નેતા તરીકે તેઓ રહી ચુકયા છે. 2009 થી 2019 સુધી લોકસભાના સભ્ય તરીકે હતા અને 2019માં પરાજીત થતા 2020માં જ રાજયસભામાં ચુંટાઈ આવ્યા અને હવે ફરી એક વખત ઉપલા ગૃહમાં તેઓ આવી રહ્યા છે તો કોંગ્રેસે જે બીજા ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં હાલમાં જ આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્ર્વા સરમાના પત્ની અંગે વિવાદાસ્પદ વિધાનો કરનાર પવન ખેડાની તપસ્યા પુરી થઈ હોય તેમ લાગે છે અને તેઓ કર્ણાટકમાંથી ચુંટણી લડશે. પવન ખેડા એ કોંગ્રેસના મીડીયા ઈન્ચાર્જ છે.
2022માં જ તેમને રાજયસભાની ટિકીટ જોઈતી હતી અને ન મળતા લખ્યુ હતું કે કદાચ મારી તપસ્યા અધુરી રહી છે. તેઓએ દિલ્હીમાં શીલા દીક્ષિતના પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામગીરી કરી હતી. બીજી તરફ ભાજપે જે 11 ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ તેમાંથી કોઈનો ચાન્સ લાગી શકે છે. મધ્યપ્રદેશમાંથી તરુણ ચુગ રાષ્ટ્રીય સ્તરે સક્રીય છે. રાજસ્થાનમાં ભાજપે અલ્કા ગુર્જર અને સતીષ પુનીયા બંનેને ઉમેદવાર બનાવ્યા છે. આમ ચુંટણી ગણીતમાં ભાજપ અને કોંગ્રેસનો કેટલો ફેર છે તે ખુલ્લુ થઈ જાય છે.

રિલેટેડ ન્યૂઝ