છ દિવસ સુધી તંત્રનું સઘન ચેકીંગ
પશ્ચિમ-કચ્છમાં પીજીવીસીએલની 27 ટુકડીએ સપાટો બોલાવ્યો હતો. છ દિવસ ચાલેલી સઘન ઝુંબેશમાં 280 વીજ જોડાણમાંથી 1.98 કરોડની વીજચોરી ઝડપી લેતા વિજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજચોરી અને ગેરરીતિ ડામવા માટે એક વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તારીખ 1 થી 6 જૂન દરમિયાન સળંગ છ દિવસ સુધી ચાલેલી આ કડક ઝુંબેશમાં વીજ કંપનીની ટીમોએ જુદા જુદા વિસ્તારો ખૂંદી વળતાં વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દિવસો દરમિયાન કુલ 27 જેટલી વીજચેકિંગ ટીમોએ પશ્ચિમ કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ સફળ ઝુંબેશ અંતર્ગત ભુજ વર્તુળ કચેરી હેઠળની વિવિધ પેટા વિભાગીય કચેરીઓ જેવી કે ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, ભુજોડી, ખાવડા, માંડવી શહેર, માંડવી ગ્રામ્ય, મુંદ્રા, મુન્દ્રા ગ્રામ્ય, ગુંદાલા, નખત્રાણા, રવાપર, નલિયા અને દયાપર સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. આ ટીમો દ્વારા સમગ્ર પશ્ચિમ કચ્છ વિસ્તારમાં થઈને કુલ 3026 જેટલા વીજ જોડાોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વીજ કંપનીના આ સપાટા દરમિયાન કુલ 302 ઊ જોડાણોની ચકાસણીમાંથી 280 જેટલા વીજ જોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાનું સપાટી પર આવ્યું હતું. તંત્ર દ્વારા આ તમામ ગેરરીતિ આચરતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ રૂપિયા 198.31 લાખના દંડનીય આકારણીના ગેરરીતિના બિલો ફટકારવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ વીજ કંપની દ્વારા આ પ્રકારની કડક ચેકિંગ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.
