આરોપી સામે ફરિયાદ નોંધવા શ્ર્વાન પ્રેમીઓ દ્વારા માંગણી
જામનગર શહેર માં મૂંગા પશુઓ પર ક્રૂરતા આચરવા નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ઉદ્યોગ આવાસ વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા શ્વાનને ઢોર માર મારીને બીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યો હોવા ની વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં શ્વાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી જીવદયા પ્રેમીઓ અને પશુ કલ્યાણ માટે કાર્યરત સંસ્થાઓ માં રોષ ફેલાયો છે.
શહેર ના ઉદ્યોગ આવાસ વિસ્તારમાં રહેતા પપ્પુ નામના વ્યક્તિએ એક નિર્દોષ શ્વાન સાથે ક્રૂરતા પૂર્વક નું વર્તન કર્યું હતું. આરોપીએ પહેલા શ્વાનને માર માર્યો અને બાદમાં તેને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. ઘટનામાં શ્વાનને ગંભીર ઈજા પહોંચતા સ્થાનિક જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક શ્વાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પશુ કલ્યાણ માટે કાર્યરત સંસ્થા દર્શના એનિમલ વેલફેર ના કાર્યકરો હરકતમાં આવ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિ આકાશ ચાવડાના જણાવ્યા મુજબ આ વ્યક્તિ દ્વારા આ પ્રથમ વખત અત્યાચાર કરવામાં આવ્યો નથી. બે દિવસ અગાઉ પણ આરોપીએ એક ગલુડિયાને માર મારતા તેનો પગ ભાંગી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને દર્શના એનિમલ વેલફેરના કાર્યકરો અને સ્થાનિક જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં જામનગર માં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ લેખિત રજૂઆત કરી આરોપી સામે પશુ ક્રૂરતા અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સંસ્થાના પ્રતિનિધિ આકાશ ચાવડાએ જણાવ્યું હતું કે, મૂંગા પશુઓ પર અત્યાચાર કરનાર વ્યક્તિ સામે એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે સમગ્ર સમાજ માટે તે એક દાખલો બને. ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ નિર્દોષ પશુઓ પર હાથ ઉઠાવતા પહેલાં અનેક વખત વિચારે. પ્રાણીઓ પ્રત્યે દયા, કરુણા અને સંવેદનાની ભાવના વિકસે તે સમયની જરૂરિયાત છે. બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અધિકારીઓ એ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી જરૂરી પુરાવાઓના આધારે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં પશુઓની સુરક્ષા અને પશુ ક્રૂરતા વિરુદ્ધ કડક અમલવારીની જરૂરિયાત અંગે ચર્ચા જગાવી છે. જીવદયા પ્રેમીઓએ આરોપી સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.
