સુરતથી રાજકોટ આવતી એસ.ટી. બસના કંડક્ટરને હદયરોગનો હુમલો આવતા જીંદગીની સફરનો અંત

રાજકોટમાં યુવાનને આવેલો હાર્ટ એટેકે જીવલેણ નિવડ્યો

કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે સુરતથી ાજકોટ આવતી એસ.ટી.બસના કંડકટરને રામપર બેટી ગામ પાસે ચાલુ બસ હાર્ટએટેક આવતાં તાત્કાલીક સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ કંડકટરનો જીવ નહીં બચતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં આવેલા વલ્લભ પાર્કમાં રહેતાં અને એસ.ટી.માં કંડકટર તરીકે ફરજ બજાવતાં વિરેન્દ્રભાઈ હિંમતલાલ જાની નામના 55 વર્ષના આધેડ ગઈકાલે સુરત રાજકોટ રૂટની બસમાં ફરજ પર હતાં ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં રાજકોટ નજીક આવેલા રામપર બેટી પાસે પહોંચતાં જ વિરેન્દ્રભાઈ જાનીને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવતાં ઢળી પડયા હતાં. વિરેન્દ્રભાઈ જાનીને તાત્કાલીક સારવાર માટે કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક વિરેન્દ્રભાઈ જાનીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. વિરેન્દ્રભાઈ જાની સુરતથી રાજકોટ આવતી એસ.ટી.બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતાં હતાં ત્યારે ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુનિવર્સિટી રોડ પર પટેલ છાત્રાલય પાસે આવેલા નિલકંઠનગર શેરી નં.9માં રહેતા જય સુરેશભાઇ રાવલ (ઉ.વ.45)નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયા ફરજ પરના તબીબ દ્વારા હાર્ટએટેકથી મૃત્યુ થયાનુ જણાવતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક એક બહેનનો એકનો એક ભાઇ અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ