સાફસફાઇ ઉપરાંત બીસ્માર રસ્તાના નવીનીકરણ માટે પણ જિલ્લા તાજીયા કમિટી દ્વારા મનપાને થઇ હતી રજૂઆત
પોરબંદરમાં મહોર્રમના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાને લગતી વિવિધ સમસ્યાઓ જેવી કે બંધ સ્ટ્રીટલાઇટ તથા સફાઇ, રોડ રસ્તા રીપેરીંગ તથા વૃક્ષોની વધારાની ડાળીઓ દૂર કરવા જિલ્લા તાજીયા કમિટી દ્વારા થયેલી રજૂઆત અનુસંધાને ટ્રીમીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પોરબંદર જિલ્લા તાજીયા કમિટીના ઉપપ્રમુખ ફારૂકભાઇ જુલાયા દ્વારા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્ર્નર હસમુખ પ્રજાપતિને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવાયુ હતુ કે આગામી તા. 25 અને 26ના મોહર્રમના તહેવાર નિમિત્તે સરાણીયા ચકલા, પંચહાટડીથી નારણ મેપાની ઓફીસ સુધી, એસ.વી. પી. રોડ, ઠકકરપ્લોટના ચાર રસ્તા સુધી, વિરડીપ્લોટ વિસ્તાર, જમાદાર ફળીયા તથા તકીયા વિસ્તાર, મુસ્લિમ ક્ધયાશાળા રોડ, સિપાઇવાડાથી મોરીસન રોડ માણેકચોક સુધી, વીરડીપ્લોટ, ચુના ભઠ્ઠા, ખાઇકાંઠા રોડ, શીતલાચોક સુધી બંધ સ્ટ્રીટલાઇટ તથા સફાઇ, રોડ રસ્તા રીપેરીંગ તથા વૃક્ષોની વધારાની ડાળીઓ દૂર કરવા માંગણી છે.ચોમાસાની ઋતુ હોય શોટસર્કિટ કે કોઇ અકસ્માત ન થાય તે હેતુથી તાજીયાને અડકતી વૃક્ષોની ડાળીઓ દૂર કરી તથા અમુક સ્થળોએ વધારાની લાઇટ કરી આપવા માંગણી થઇ હતી અને તે અનુસંધાને મહાનગરપાલિકના તંત્ર દ્વારા ટ્રીમીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત સ્ટ્રીટલાઇટના સમારકામ સહિત અન્ય સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
