અમરેલી જિલ્લામાં છેલ્લા 20 દિવસમાં સિંહના હુમલાની ચોથી ઘટના

અમરેલી જિલ્લાના ખાંભાના ચતુરી ગામે દાદાની આંગળી પકડેલા માસુમને સિંહણે ફાડી ખાધો
જો વન વિભાગ વનરાજોના આતંકથી છુટકારો આપવા નક્કર પગલા નહીં ભરે તો ગામલોકોની ઉગ્ર આંદોલનની ચીમકી

ખાંભાના ચતુરી ગામે કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં વન વિભાગની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે વધુ એક માસૂમ બાળક કાળનો કોળિયો બની ગયો હતો. ગઈકાલે રાત્રિના સમયે દૂધની ડેરીએ દાદાની આંગળી પકડીને જઈ રહેલા એક વર્ષના માસૂમ જીયાનને સિંહણ દાદાની નજર સામે હાથની આંગળીએથી ઝૂટવી અને લઈ ગઈ હતી. અને બાળકને ફાડી ખાધો હતો જેને પગલે સમગ્ર ગીર નજીકના ગામડાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.
વિગત એવી છે કે અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામનો 5 વર્ષનો એક માસૂમ જીયાન દેવકુભાઈ સીઢા જ્યારે ગઈકાલે રાત્રિના સમયે પોતાના દાદા સાથે ઘરની નજીક આવેલી ડેરી પર દૂધ આપવા જઈ રહ્યો હતો, ત્યારે જ અંધારામાં કાળ બનીને આવેલી એક સિંહણે માસુમ બાળક ઉપર તરાપ મારી હતી. દાદા કંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને દાદાના હાથની આંગળીએથી ખેંચીને સીમ તરફ ભાગી ગઈ હતી.
પોતાના ઘરથી માત્ર 20 ફૂટ દૂર બનેલી આ ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં કંપારી છૂટે તેવું વાતાવરણ સર્જાયું હતું. દોઢ બે કલાકની જહેમત બાદ ગામથી એક કિ.મી. દૂર જંગલ વિસ્તારમાંથી આ માસૂમ બાળકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ પરિવારનો એકના એક દીકરો છીનવાઈ ગયો હતો.
જ્યારે આ ઘટના કેમ ઘટી તે અંગે આંગળી પકડીને પૌત્રને સાથે લઈ જતા દાદાએ ઘટનાક્રમ વર્ણવાયો હતો.
ચતુરી ગામના નાના બાળકને ફાડી ખાવાની ગંભીર ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. અને પરિવારનો એક ના એક દીકરાનો દીપક અકાળે બુઝાઈ ગયેલો હતો આથી પરિવાર અને સ્થાનિકોમાં વન વિભાગ સામે ભારે નારાજગી જોવા મળી હતી.
આજે સવારે દીકરાના અંતિમક્રિયા વખતે લોકો આક્રંદ કરતા જોવા મળ્યા હતા. અને મૃતકના કાકાએ વનવિભાગ અને સરકાર સામે સવાલો કર્યા હતા.
અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ચોથી ઘટના ઘટી હતી. બગસરાના ઘંટીયાળ ગામે 7 વર્ષના પરપ્રાંતીય ખેતમજૂરના બાળકને સિંહે ફાડી ખાધો હતો, ત્યાર બાદ સાવરકુંડલાના જૂના સાવર ગામે વયોવૃધ્ધ ખેડૂત સિંહ હુમલાનો ભોગ બનેલા હતા. તો રાજુલાનું કોવાયા ગામે ઉત્તરાખંડના પરપ્રાંતીય મજૂરને સિંહોએ ફાડી ખાધની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં આ ચોથી ઘટના ચતુરી ગામે ઘટી હતી.
વારંવાર બનતા આવા બનાવો છતાં તંત્ર કેમ ઘોરનિદ્રામાં છે? તે મોટો સવાલ છે. સિંહ-સિંહણ હવે છેક ઘરના આંગણા સુધી આવી ચડે છે. અને ગ્રામજનો આખી રાત જાગવા મજબૂર બને છે. લોકો હવે વનમંત્રી સમક્ષ માનવ રક્ષણની સરકાર જવાબદારી કયારે લેશે? તેવો સવાલ ચતુરી તાલુકા પંચાયત સીટના સદસ્ય આલિગભાઈ ભૂકણે કર્યો હતો.
હાલ તો માસૂમ જીયાનના મોતના પગલે ચતુરી ગામમાં સિંહણના ભયથી ભારે ફફડાટ અને માતમનો માહોલ છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વન વિભાગ દ્વારા વનરાજોના આતંકથી કાયમી છુટકારો અને માનવ રક્ષણ માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને વનમંત્રી અર્જુન મોઢવાડિયા પણ ચાતુરી ગામે આવવાના છે, તેને જ સિંહોના ગંભીર પ્રશ્નો નિવારણ કરે જેથી ખેતી પણ ખેડૂતો કરી શકે ને માલધારીઓ પશુપાલન કરી શકે તેવું નિવેદન ચતુરીના સરપંચ કમલેશ જાનીએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ