ન્યૂ રાજકોટમાં પાઇપલાઇન જોડાણના કામના લીધે અડધા શહેરમાં પાણી વિતરણ ડખ્ખે ચડ્યુ

વોર્ડ નં. 1, 2(પાર્ટ), 3(પાર્ટ), 7(પાર્ટ), 8(પાર્ટ), 9,10,11(પાર્ટ) 12(પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ અંદાજિત 6 કલાક મોડું થયું

ન્યુ રાજકોટમાં ગઇકાલે સાંજથી ડીઆઇ પાઇપલાઇનના જોડાણની મોટી કામગીરી શરૂ થતા અને તેમાં ટેકનીકલ મુશ્કેલી સર્જાતા શહેરના કુલ 18 પૈકી 9 પાર્ટ વોર્ડમાં આજે સવારે પાણી વિતરણ ખોરવાઇ ગયું હતું. પશ્ર્ચિમ અને સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં આજે એકાએક 6 થી 7 કલાક પાણી મોડુ થતા લોકોમાં ગરમી વચ્ચે કકળાટ થયો હતો. મ્યુનિ. કોર્પોરેશનની વોટર વર્કસ શાખા દ્વારા રૈયાધાર મેઇન રોડ ખાતે નવી 600 મી.મી. ડી.આઈ. પાણીની મુખ્ય પાઇપલાઇનને હાલની 400 મી.મી. મુખ્ય લાઇન સાથે જોડાણ કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાલ ચાલી રહી છે. ગઈકાલે સાંજે શરૂ કરાયેલ આ કામગીરી દરમિયાન ભૂગર્ભમાં સતત અને મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ મળતાં ડી-વોટરીંગ કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાઈ છે, જેના કારણે જોડાણની કામગીરી પૂર્ણ થવામાં વિલંબ થયો છે.
આ કારણે રૈયાધાર હેડવર્ક્સ, 150 ફૂટ રિંગ રોડ હેડવર્ક્સ, સોજીત્રા, ન્યારી અને ચંદ્રેશનગર હેડવર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં. 1, 2(પાર્ટ), 3(પાર્ટ), 7(પાર્ટ), 8(પાર્ટ), 9,10,11(પાર્ટ) 12(પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ અંદાજિત 6 કલાક મોડું થયું છે. ન્યુ રાજકોટના 1પ0 ફુટ રોડ લાગુ ગાંધીગ્રામથી માંડી સાધુ વાસવાણી રોડ સુધીના અને યુનિ. રોડના વોર્ડના તમામ વિસ્તારોમાં આજે પાણી ખુબ મોડુ થયું હતું.
મહાનગરપાલિકાની ટીમો સ્થળ પર સતત કામગીરી કરી રહી છે. જોડાણની કામગીરી પૂર્ણ થતાં જ પાણી વિતરણ તાત્કાલિક શરૂ કરવામાં આવશે તેમ લોકોને જણાવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ