સંતોએ કર્યું ભવ્ય સ્વાગત, ધર્મ, સંત સમાજ અને સનાતન સંસ્કૃતિની રક્ષા પ્રાથમિકતા
હરિદ્વાર ખાતે મળેલા અખિલ ભારતીય અખાડા પરિષદના પુનર્ગઠન સંમેલનમાં બૈરાગી કુંભ સ્થિત નિર્મોહી અખાડાના શ્રીમહંત રાજેન્દ્ર દાસ મહારાજની મહામંત્રી પદે નિયુક્તિ કરવામાં આવી છે. રવિવારે હરિદ્વારમાં સંત સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભરના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં રાજેન્દ્ર બાપુનો આશ્રમ રાજુલા તાલુકાના રામપરા વૃંદાવન બાગ ખાતે આવેલો છે. આ ઉપરાંત તેઓ જયપુરમાં પણ સંસ્થા ધરાવે છે. તેમની આ સિદ્ધિથી રાજુલા તાલુકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે. રાજેન્દ્ર બાપુની વરણીથી સૌરાષ્ટ્રભરના સંતોમાં અને દેહાણી જગ્યાઓમાં ભારે રાજીપો અને ઉત્સાહ વ્યક્ત થયો હતો.
હરિદ્વારમાં યોજાયેલા આ સંમેલનમાં વિવિધ અખાડાઓના સંત-મહાત્માઓએ તેમને પુષ્પમાળા પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કર્યું તથા નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી હતી.
મહામંત્રી રાજેન્દ્ર દાસ મહારાજે સંકલ્પ વ્યક્ત કર્યો: “ધર્મ, સંત સમાજ અને સનાતન સંસ્કૃતિની રક્ષા મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. કુંભ પર્વને લઈને અખાડા પરિષદ સક્રિય ભૂમિકા ભજવશે. ગંગા, ગૌ, ગાયત્રી અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે સંત સમાજ કટિબદ્ધ છે.”
સંત સમાજે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કે રાજેન્દ્ર દાસ મહારાજના નેતૃત્વમાં અખાડા પરિષદ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રહિતના કાર્યોમાં વધુ ગતિથી આગળ વધશે. નવા મહામંત્રીના અનુભવ અને માર્ગદર્શનથી સનાતન પરંપરાઓ વધુ સુદૃઢ બનશે.
